12 વર્ષ પછી ચમત્કાર! કેદારનાથની તારાજીમાં મૃત માનેલો દીકરો મહારાષ્ટ્રમાં જીવતો મળ્યો
- Kedarnath Tragedy Survivor : રુડકીના શિવમને પરિવારે મૃત માની અંતિમ સંસ્કાર કર્યા હતા
- શિવમ 12 વર્ષ બાદ મહારાષ્ટ્રની મેન્ટલ હોસ્પિટલમાં જીવતા મળી આવ્યા
- યાદશક્તિ ગુમાવી હતી, માત્ર 'રુડકીની સ્કૂલનું નામ' જ યાદ હતું
- હોસ્પિટલના સ્ટાફે આ સુરાગથી પરિવારને શોધી કાઢ્યો
- 5 નવેમ્બરે શિવમનું પોતાના ભાઈ સાથે ભાવુક મિલન થયું
Kedarnath Tragedy Survivor : ઉત્તરાખંડના રુડકીના એક પરિવાર માટે 'જાકો રાખે સાંઈયા, માર સકે ના કોય' કહેવત સત્ય સાબિત થઈ. જે દીકરાનો 12 વર્ષ પહેલા કેદારનાથની વિનાશક પૂર દુર્ઘટનામાં મૃત્યુ માનીને અંતિમ સંસ્કાર કરાયો હતો, તે અચાનક જીવતો પાછો ફર્યો છે. આ કહાણી જેટલી ભાવુક છે એટલી જ અવિશ્વસનીય પણ.
વર્ષ 2013માં કેદારનાથમાં આવેલી વિનાશકારી પૂર દુર્ઘટના આજે પણ લોકોના દિલને હચમચાવી દે છે. આ તારાજીમાં હજારો લોકો લાપતા થયા હતા અને અનેક પરિવારો હંમેશા માટે વિખૂટા પડી ગયા હતા. રુડકીના શિવમનું ઘર પણ આ જ પરિવારોમાંનું એક હતું, જ્યાં લોકો વર્ષોથી માની ચૂક્યા હતા કે શિવમ હવે આ દુનિયામાં નથી. જોકે, 12 વર્ષ પછી વાર્તામાં એક એવો વળાંક આવ્યો, જેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા.
Kedarnath Tragedy Survivor : શિવમ કેવી રીતે લાપતા થયા હતા?
આપત્તિના દિવસોમાં નાસભાગ, ભારે વરસાદ અને કાટમાળમાં અનેક લોકો ગુમ થયા હતા. શિવમ પણ તેમાંથી એક હતા. પરિવારે દરેક જગ્યાએ શોધખોળ કરી, પરંતુ અઠવાડિયાઓ સુધી કોઈ માહિતી ન મળતાં, મજબૂરીમાં તેમને મૃત માની લેવામાં આવ્યા હતા. શોક વ્યક્ત કરીને ઘરના સભ્યોએ તેમનો પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર પણ કરી દીધો હતો. પરિવાર માટે આ પીડા એવી હતી, જાણે કોઈએ અચાનક પોતાના સ્વજનને છીનવી લીધું હોય.
Kedarnath Tragedy Survivor : મહારાષ્ટ્રમાંથી મળ્યો જીવનનો નવો સુરાગ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શિવમ વર્ષ 2021 માં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના એક મંદિરમાં રહેતા હતા. તેમનું જીવન ત્યાં શાંતિથી ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ મંદિરમાં ચોરી થઈ અને પોલીસ દ્વારા કેટલાક લોકોના કહેવા પર શિવમનું નામ પણ આ કેસમાં જોડી દેવાયું. શિવમને જ્યારે કોર્ટમાં રજૂ કરાયા, ત્યારે ન્યાયાધીશે જોયું કે તેઓ બરાબર વાત કરી શકતા ન હતા, જાણે તેમને કંઈ યાદ ન હોય. તેમની હાલત જોતાં અદાલતે તેમને પુણેની રિજનલ મેન્ટલ હોસ્પિટલ (RMH) મોકલવાનો આદેશ આપ્યો.
ડૉક્ટરોએ તપાસ બાદ જણાવ્યું કે શિવમ માનસિક બીમારી 'ડિસઓર્ગેનાઇઝ્ડ સિઝોફ્રેનિયા' થી પીડિત છે, એટલે કે તેમની યાદશક્તિ ગૂંચવાયેલી, વાતચીત તૂટક તૂટક અને વિચારશક્તિ વેરવિખેર થઈ ગઈ હતી.
નાનકડો સંકેત બન્યો ઓળખની ચાવી
RMH માં સારવાર દરમિયાન, ડૉક્ટરો અને સ્ટાફ તેમની ઓળખ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક નાનકડો સંકેત મળ્યો — રુડકીની એક સ્કૂલનું નામ. આ સાંભળીને હોસ્પિટલ પ્રશાસને તુરંત ઉત્તરાખંડના અધિકારીઓનો સંપર્ક કર્યો.
બીજી તરફ, અદાલતે સ્પષ્ટ કરી દીધું હતું કે શિવમનો ચોરીના કેસ સાથે કોઈ સંબંધ નથી. હવે એક પછી એક કડીઓ જોડાવા લાગી. ધીમે ધીમે આ વાતની પુષ્ટિ થઈ કે આ એ જ શિવમ છે, જેને કેદારનાથ આપત્તિ બાદ મૃત માની લેવામાં આવ્યો હતો.
12 વર્ષ બાદ ઘરના આંગણે પાછા ફર્યા
કોઈ ફિલ્મ જેવી આ કહાણીનો સૌથી ભાવુક ક્ષણ 5 નવેમ્બરના રોજ આવ્યો. 55 વર્ષના શિવમ આખરે 12 વર્ષ બાદ પોતાના ભાઈને મળ્યા. જે વ્યક્તિની તસવીર પણ ઘરના સભ્યો માત્ર યાદોમાં જ માનતા હતા, તે આજે જીવંત તેમની સામે હતો. તેમના માટે આ મિલન કોઈ મોટા ચમત્કારથી ઓછું નહોતું. પરિવાર હવે શિવમને ભાવુકતા સાથે પાછો રુડકી લઈ ગયો છે.
આ પણ વાંચો : Google માં વર્ષ 2025 માં ભારતીયોએ સૌથી વધુ Search કર્યો '5201314' નંબર, જાણો શું છે અર્થ