ટ્રેકિંગ અકસ્માત તરીકે નોંધાયેલ મોત વાસ્તવમાં પૂર્વઆયોજિત મર્ડર પ્લાન નીકળ્યો
મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા ઐતિહાસિક લોહગઢ કિલ્લા પર ગત 18 જૂનના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી મૂક્યો છે, 26 વર્ષીય કેતન અગ્રવાલ પોતાની મંગેતર સિયા ગોયલ (20) સાથે ટ્રેકિંગ માટે ગયો હતો, જ્યાં કિલ્લાની ઊંડી ખાઈમાં પડવાથી તેનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં સિયાએ પોલીસ અને પરિવાર સમક્ષ આ ઘટનાને પગ લપસવાને કારણે થયેલો એક દુઃખદ અકસ્માત ગણાવ્યો હતો.
જોકે, પુણે ગ્રામીણ પોલીસની ઊંડી તપાસમાં જે તથ્યો સામે આવ્યા તેણે સૌના હોશ ઉડાવી દીધા છે. હકીકતમાં, સિયા આ લગ્ન કરવા ઈચ્છતી ન હતી અને કેતનને પોતાના રસ્તાનો કાંટો માનતી હતી. આથી તેણે પોતાના પ્રેમી સાથે મળીને કેતનની હત્યાનું અત્યંત ક્રૂર અને વ્યવસ્થિત કાવતરું ઘડી કાઢ્યું હતું .
પુણે ગ્રામીણ પોલીસે કેવી રીતે ઉકેલી આ અંધારી મર્ડર મિસ્ટ્રી
પુણે ગ્રામીણ પોલીસના એસપી સંદીપ સિંહ ગિલે જણાવ્યું કે તપાસ ટીમે જ્યારે કેતનના અંગત સંબંધો અને કિલ્લાના ટિકિટ કાઉન્ટર પરના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા ત્યારે આખી મર્ડર મિસ્ટ્રીનો વળાંક બદલાઈ ગયો (CCTV Footage Murder Reveal). ફૂટેજમાં કેતન અને સિયાની પાછળ એક શંકાસ્પદ યુવક ચાલતો જોવા મળ્યો હતો. 18 જૂનના રોજ ત્યાંનું તાપમાન અંદાજે 33 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ હતું, તેમ છતાં તે યુવકે શોર્ટ્સ સાથે એક જાડી અને મોટી હુડી પહેરી રાખી હતી.
ગરમીમાં હુડી પહેરવુ પોલીસની નજરમાં ખટક્યું
તેણે પોતાનો ચહેરો છુપાવવા માટે હુડીની કેપ આગળ ખેંચી હતી અને ઉપર મોટા હેડફોન ભરાવ્યા હતા. આટલી અસહ્ય ગરમીમાં કોઈનું હુડી પહેરવું પોલીસ અધિકારીઓની નજરમાં ખટક્યું હતું. અન્ય એક ફૂટેજમાં દેખાયું કે સિયાએ જ્યારે પાછળ વળીને જોયું ત્યારે આ હુડી વાળા યુવકે તુરંત નીચે બેસીને મોં છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કડી પકડીને પોલીસે તપાસ તેજ કરી અને કોંઢવા રહેતા સિયાના પ્રેમી ચેતન બાબુલાલ ચૌધરી (22) સુધી પહોંચીને બંને ગુનેગારોને દબોચી લીધા.
15 દિવસમાં 4 વાર લોહગઢ જવાનો વિચિત્ર આગ્રહ
કેતનની બહેન સંજના અને પરિવારજનોની પૂછપરછ દરમિયાન વધુ એક ચોંકાવનારી કડી હાથ લાગી હતી. ફેબ્રુઆરી મહિનામાં સગાઈ થયા બાદ સિયા અચાનક કેતન પર લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ કરવા જવા માટે અજીબ દબાણ લાવવા લાગી હતી. તે માત્ર 15 દિવસના ગાળામાં 4 વાર કિલ્લા પર જવાની જીદ કરી ચૂકી હતી. 31 મેના રોજ તે કેતનને પહેલીવાર લઈ ગઈ હતી. 4 જૂને ફરી જવાની જીદ કરી પણ કેતનની માતાએ ના પાડી હતી.
14 જૂને સિયાએ કેતનને પહાડી પરથી નીચે ધકેલવા પ્રયાસ કર્યો
14 જૂનના રોજ સિયાએ કેતનને પહાડી પરથી નીચે ધકેલવાનો પહેલો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેતને સમયસૂચકતા વાપરીને ત્યાં ઉગેલી એક મજબૂત ઝાડી પકડી લીધી હતી અને તેનો જીવ બચી ગયો હતો. જ્યારે કેતને આશ્ચર્ય સાથે પૂછ્યું કે તે કેમ ધક્કો મારતી હતી, ત્યારે સિયાએ ત્યાં સાપ હોવાનો ખોટો ઢોંગ રચીને કહ્યું કે તે તેને સાપથી બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી. આ નિષ્ફળ પ્રયાસ બાદ 18 જૂને તે ફરીથી પ્લાન મુજબ કેતનને લઈ ગઈ અને ત્યાં પહેલાથી છુપાઈને ઉભેલા પોતાના પ્રેમી ચેતન સાથે મળીને તેને ઉંડી ખાઈમાં ધકેલી દીધો, જેનાથી કેતનનું કરુણ મોત નીપજ્યું
આ પણ વાંચો : Murder Mystery : બર્થડે પર પ્રેમી સાથે મળીને લખી હત્યાની કહાની, ભાવી પતિને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધો