Bihar News : ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલામાં મોટી કાર્યવાહી, જ્ઞાન બિંદુ કોચિંગના ડિરેક્ટર સહિત 3 લોકોની ધરપકડ
Bihar News : પટનાના મુસલ્લાહપુર વિસ્તારમાં સ્થિત ખાન સરના ખાન ગ્લોબલ સ્ટડીઝ (Khan Global Studies) કોચિંગ સેન્ટર પર મંગળવારે રાત્રે થયેલા હુમલાએ સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે. મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ કેટલાક અસામાજિક તત્વોએ કોચિંગ સેન્ટરના હોર્ડિંગ્સ અને પ્રોપર્ટી પર ઈંટો તથા પથ્થરો વડે ભારે તોડફોડ કરી હતી. આ દરમિયાન સેન્ટરના ગાર્ડ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને માથામાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે PMCH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Bihar News: જ્ઞાન બિંદુ કોચિંગના ડાયરેકટરની ધરપકડ
પટનાના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (DSP) રાજેશ રંજને આ સમગ્ર મામલે મોટી કાર્યવાહી કરતા જણાવ્યું હતું કે, "ખાન કોચિંગ (Khan Coaching) ના કન્હૈયા સિંહની ફરિયાદના આધારે પોલીસે 4 નામજોગ આરોપીઓ અને 15-20 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે."
પોલીસની ટીમે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને જ્ઞાન બિંદુ કોચિંગ (Gyan Bindu Coaching) ના ડાયરેક્ટર રોશન આનંદ, અભિષેક અને ગૌરવની ધરપકડ કરી છે. હાલ રોશન આનંદને દિઘા પોલીસ સ્ટેશનમાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગોળીબારની અફવા અને સત્ય
ઘટના બાદ શરૂઆતમાં ગોળીબાર થયો હોવાના અહેવાલો વહેતા થયા હતા. ખાન સર (Khan Sir) એ પણ મીડિયા સમક્ષ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના તમામ CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી છે.
તપાસમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારના ફાયરિંગ કે ગોળીબારની પુષ્ટિ થઈ નથી. બાદમાં ખાન સરે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેઓ ઘટના સમયે ત્યાં હાજર ન હતા અને ગાર્ડ પાસેથી મળેલી માહિતીના આધારે તેમણે તે વાત કરી હતી. પોલીસ હાલ બાકીના આરોપીઓને શોધવા માટે દરોડા પાડી રહી છે.
આ પણ વાંચો : Bihar News : ખાન સરના કોચિંગ સેન્ટર બહાર અંધાધૂંધ ફાયરિંગ, હિંસક ઘટના બાદ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો


