Khan sir Firing Case : બિહારની રાજધાની પટનામાં ચર્ચાસ્પદ બનેલા કોચિંગ વિવાદ અને ફાયરિંગ કેસમાં (Patna Coaching Firing Case) મુખ્ય આરોપી ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરને અદાલત તરફથી મોટી રાહત મળી છે. મંગળવારે પટનાની જિલ્લા અને સત્ર અદાલતે (District and Sessions Court) ખાન સરની આગોતરા જામીન અરજી (Anticipatory Bail) પર સુનાવણી હાથ ધરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા ન્યાયાધીશે ફૈઝલ ખાનને વચગાળાનું રક્ષણ આપ્યું છે અને પોલીસ દ્વારા તેમની સામે કરવામાં આવનારી કોઈપણ દંડાત્મક કે કડક કાર્યવાહી પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. કોર્ટના આ આદેશ બાદ હવે પોલીસ તેમની ધરપકડ કરી શકશે નહીં.
સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે, આ સમગ્ર વિવાદ કે ફાયરિંગની ઘટનામાં ફૈઝલ ખાનની કોઈ સીધી ગુનાહિત સંડોવણી નથી. તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવીને પાયાવિહોણા આરોપો મૂકવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસે અત્યાર સુધીની તપાસ અને દાખલ કરાયેલી એફઆઈઆર (FIR) અંગેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
વાયરલ વીડિયોના આધારે નોંધાયો હતો ગુનો
આ ચકચારી મામલો પટનાની એક નામાંકિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં (Coaching Institute) થયેલા વિવાદ અને ત્યારબાદ થયેલા અંધાધૂંધ ફાયરિંગ બાદ પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કદમકુઆન પોલીસ સ્ટેશનમાં (Kadamkuan Police Station) ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કોચિંગ સંસ્થા સાથે સંકળાયેલા બે સુરક્ષા ગાર્ડ આ ફાયરિંગમાં સામેલ હતા, જેઓ હાલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે. મામલાની ગંભીરતાને જોતાં કોર્ટે અગાઉ પોલીસ પાસેથી કેસ ડાયરી મંગાવી હતી.
ધરપકડના ડરથી પટનાથી ફરાર હતા ખાન સર
વિવાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં ચમક્યા બાદ ફૈઝલ ખાન ઉર્ફે ખાન સર પટનાથી ફરાર થઈ ગયા હતા. પોલીસની ધરપકડના ડરથી તેઓ સતત લોકેશન બદલી રહ્યા હોવાના અહેવાલો હતા. પટનાના એસએસપી (SSP) કાર્તિક શર્માએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, ખાન સરને ઝડપી પાડવા માટે પોલીસ ટીમો પટના અને તેની આસપાસના અનેક જિલ્લાઓમાં સતત દરોડા પાડી રહી હતી.
કાયદાકીય પ્રક્રિયાની વાત કરીએ તો, ફૈઝલ ખાને 6 જૂને પટના સિવિલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જે 8 જૂને રજિસ્ટર થઈ હતી. આજે 9 જૂને થયેલી સુનાવણીમાં કોર્ટે રાહત આપતા હવે આગામી સુનાવણીમાં પોલીસના ફાઇનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ (Investigation Report) અને અન્ય પુરાવાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો : Pakistan News : પાકિસ્તાન આર્મીનો અત્યાચાર, PoKમાં પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 11થી વધુના મોત