Kolkata : લો કોલેજની વિદ્યાર્થીની સામુહિક દુષ્કર્મનો ભોગ બની, પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા
- કોલકતામાં ફરીથી સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ છે
- કસ્બા પોલીસે સત્વરે 3 આરોપીઓને ઝડપી લીધા છે
- પોલીસે યુવતીને તબીબી તપાસ માટે મોકલી આપી છે
Kolkata : કસ્બા વિસ્તારની લો કોલેજ (Kasba Law College) ની એક વિદ્યાર્થીની સામુહિક દુષ્કર્મનો ભોગ બની છે. યુવતીએ કસ્બા પોલીસ સ્ટેશન (Kasba Police Station) માં આ ગુના મુદ્દે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સત્વરે પગલાં ભરીને મોનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જી નામક 3 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે યુવતીને તબીબી તપાસ માટે મોકલી આપી છે. પોલીસ સાક્ષીઓના નિવેદન નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે.
સમગ્ર ઘટનાક્રમ
દક્ષિણ કોલકતાના કસ્બા વિસ્તારની લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર 3 યુવકોએ સમી સાંજે 7.30 કલાકની આસપાસ સામુહિક દુષ્કર્મ કર્યુ હોવાનો આરોપ લગાવાયો છે. આ આરોપ બાદ કસ્બા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સત્વરે કોલકાતાના તાલબાગન ક્રોસિંગ નજીક સિદ્ધાર્થ શંકર શિશુ રોય ઉદ્યાન સામે 26 જૂનની સાંજે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. ધરપકડ સમયે તેમના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, કથિત ઘટના કોલેજ બિલ્ડિંગની અંદર જ બની હતી. પીડિતાની પ્રાથમિક તબીબી તપાસ માટે મોકલી આપવામાં આવી છે અને અનેક સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.
આ પણ વાંચોઃ લો બોલો! MP ના મુખ્યમંત્રીના કાફલાની 19 ગાડીઓ રસ્તા વચ્ચે અચાનક બંધ, કારણ ચોંકાવી દેશે
ભાજપનો ટીએમસી પર આક્ષેપ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડૉક્ટર પર બળાત્કાર થયો હતો. આ પછી પીડિતાની હત્યા કરવામાં આવી હતી. આરજી કર સામુહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં બંગાળમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ હતી. છોકરી પર બળાત્કાર અને હત્યા માટે આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને દોષિત ઠેરવ્યો અને આજીવન કેદની સજા ફટકારી. હવે કસ્બા લો કોલેજની વિદ્યાર્થીની પર કથિત સામુહિક દુષ્કર્મની ઘટના મામલે ફરીથી બંગાળનું રાજકારણ ગરમાયું છે. આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયા (Amit Malaviya) એ આ ઘટનાને ભયાનક ગણાવી છે. અમિત માલવિયાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ યથાવત છે. ભાજપ પીડિતાના પરિવાર સાથે છે અને તમામ આરોપીઓને સજા અપાવવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચોઃ જો જો આવું ક્યારેય ન કરતા! મહિલાનો આંખોમાં પેશાબ નાખતો વીડિયો વાયરલ, ડૉક્ટરે આપી ચેતવણી