Madhya Pradesh : ધોળા દિવસે માતાની આંખોમાં મરચું પાવડર નાખી 6 વર્ષના બાળકનું અપહરણ
- ગ્વાલિયરમાં ઉદ્યોગપતિના દીકરાનું ધોળા દિવસે અપહરણ
- માતાની આંખોમાં મરચું નાખી બાળકનું કરાયું અપહરણ
- રસ્તા પર માતાની આંખમાં મરચું નાખી, દીકરાને લઈ ભાગ્યા અપહરણકર્તાઓ
- CCTVમાં કેદ: લાલ પલ્સર પર આવી બદમાશોએ કર્યું બાળકનું અપહરણ
Child abduction in Madhya Pradesh : મધ્યપ્રદેશમાં ગુરુવારે સવારે 6 વાગ્યે ધોળા દિવસે એક ચોંકાવનારી ઘટના બની. બદમાશોએ એક માતાની આંખોમાં મરચાંનો પાવડર નાખી તેના હાથમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ કર્યું. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી દીધી છે. બીજી તરફ, ગ્વાલિયર રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર જનરલે બાળક વિશે માહિતી આપનારને ₹30,000 નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં આતંક ફેલાવ્યો છે અને પોલીસ ઝડપથી બાળકને સુરક્ષિત પાછું મેળવવા પ્રયત્નશીલ છે.
બાળકનું અપહરણ: બદમાશોએ માતાની આંખોમાં મરચું નાખ્યું
ગુરુવારે સવારે 8 વાગ્યાની આસપાસ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના મુરાર વિસ્તારમાં આવેલી સીપી કોલોનીમાં એક ચોંકાવનારી ઘટના બની. ગોળ અને ખાંડના વેપારી રાહુલ ગુપ્તાના 6 વર્ષીય પુત્ર શિવાયને તેની માતા સ્કૂલ બસમાં મૂકવા ઘરની બહાર નીકળી હતી. ત્યારે જૈન મંદિરના મેઈન રોડ પર લાલ પલ્સર બાઇક પર સવાર બદમાશોએ રસ્તો રોકી દીધો અને માતાની આંખોમાં લાલ મરચું પાવડર નાખી અને તેના હાથમાંથી બાળકને ઝૂંટવી લઇ ફરાર થઇ ગયા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે અને પોલીસ દ્વારા આરોપીઓને શોધવા માટે તીવ્ર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
દીકરાના અપહરણથી માતાની હાલત ખરાબ
ગ્વાલિયર ખાતે દીકરાના અપહરણની ખબર મળતા જ ઉદ્યોગપતિ રાહુલ ગુપ્તાની પત્ની ગભરાઈ ગઇ અને ચીસો પાડવા લાગી, જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરી. ધોળા દિવસે અપહરણની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગુનેગારોને ઝડપી લેવા માટે શહેરમાં નાકાબંધી કરવામાં આવી, આ સમાચાર લખાતા સુધી અપહરણકર્તાઓનો કોઈ પતો મળ્યો નહોતો. મળતી માહિતી અનુસાર, દીકરાના અપહરણથી તેની માતા ભગવાનને પ્રાર્થના કરી રહી છે અને તંત્રને હાથ જોડીને વિનંતી કરી રહી છે કે તેના દીકરાને કોઇ પણ સંજોગે લઇને આવે.
માહિતી અપનારને રૂ.30 હજારના ઈનામની જાહેરાત
બીજી તરફ, ગ્વાલિયર રેન્જ આઈજી અરવિંદ કુમાર સક્સેનાએ અપહરણ કરાયેલા બાળક વિશે માહિતી આપનારને ₹30,000 નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે બાળકના પરિવાર પાસેથી 4 કલાકનો સમય માંગ્યો છે. જોકે, બાળકનું અપહરણ કરનારા ગુનેગારો વિશે કોઈ સુરાગ મળ્યો નથી. ધોળા દિવસે બાળકોના અપહરણના વિરોધમાં મુરાર વિસ્તારના વેપારીઓએ પોતાના વ્યવસાય બંધ રાખ્યા છે. આ ઘટનાથી વ્યથિત સ્થાનિક વેપારીઓએ ઘટના સ્થળે રસ્તો બ્લોક કરી દીધો છે. બીજી તરફ, પોલીસે અપહરણકારોની શોધ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : Marriage : ન તો લગ્નના ફેરા, ન તો મંગળસૂત્ર, મધ્યપ્રદેશમાં આ પ્રતિમા સામે થયા અનોખા લગ્ન