Malegaon Blast Case : તમામ આરોપીઓ નિર્દોષ જાહેર! ભાજપે ગણાવ્યો 'સત્યનો વિજય'
- માલેગાંવ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
- સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિતને ન્યાય મળ્યો
- 'હિન્દુ આતંકવાદ'નો નારો ધ્વસ્ત થયો : BJP
- ભાજપે ગણાવ્યો 'સત્યનો વિજય'
- કોંગ્રેસે દેશનr માફી માંગવી જોઈએ : BJP
Malegaon Blast Case : આજે ગુરુવાર, 31 જુલાઈ 2025ના રોજ, 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં NIAની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો, જેમાં પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આ ચુકાદા દરમિયાન સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર હતા. આ નિર્ણયનું ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું, અને તેને ‘હિન્દુ આતંકવાદ’ના કથિત કાવતરાની નિષ્ફળતા તરીકે ગણાવ્યું.
કોર્ટનો નિર્ણય અને પુરાવાનો અભાવ
2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા, NIA કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીઓ સામે પૂરતા પુરાવા નથી. કોર્ટે નોંધ્યું કે મોટરસાઇકલના ચેસીસ નંબર કે અન્ય કોઈ નક્કર પુરાવા રજૂ ન થયા, અને સાક્ષીઓએ પણ જણાવ્યું કે તેમને નિવેદનો આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયથી કેસની તપાસ અને આરોપોની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
ભાજપનો આક્ષેપ : ‘હિન્દુ આતંકવાદ’નું કાવતરું
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આ ચુકાદાને ‘સત્યનો વિજય’ ગણાવ્યો અને કોંગ્રેસ પર ‘હિન્દુ આતંકવાદ’ની વિભાવના રચીને વોટ બેંકનું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “કોંગ્રેસે કર્નલ પુરોહિત, જેઓ કાશ્મીરમાં આતંકવાદ સામે લડ્યા, અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર ખોટા આરોપો લગાવ્યા. સાધ્વી પ્રજ્ઞાને એટલો ત્રાસ આપવામાં આવ્યો કે તેઓ ચાલી શકે તેમ ન હતા.” પ્રસાદે દાવો કર્યો કે આ બધું કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ગૃહમંત્રી હોવા છતાં ‘ભગવા આતંકવાદ’ની વાર્તા રચવા માટે કરેલું કાવતરું હતું. તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દેશની માફી માંગવાની માગણી કરી અને ખોટા આરોપ લગાવનારા અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી.
ઉમા ભારતીની ભાવનાત્મક પ્રતિક્રિયા
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું, “હું એટલી ખુશ છું કે શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી.” તેમણે જણાવ્યું કે જ્યારે સાધ્વી પ્રજ્ઞા નાસિક જેલમાં હતા, ત્યારે તેમને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો. ઉમા ભારતીએ સાધ્વીને મળવા જેલમાં જઈને તેમની હાલત જોઈ હતી, જેનાથી તેઓ રડી પડ્યા હતા. તેમણે પી. ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ, રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓ પર ‘ભગવા આતંકવાદ’નો ખોટો ખ્યાલ ફેલાવવાનો આરોપ લગાવ્યો અને તેમની સામે કડક કાર્યવાહીની માગ કરી.
હિમંતા બિસ્વા શર્માનું નિવેદન
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોર્ટના નિર્ણયને ‘હિન્દુ આતંકવાદ’ની વિભાવનાનો અંત ગણાવ્યો. તેમણે કહ્યું, “હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતા આતંકવાદને ક્યારેય પ્રોત્સાહન આપતી નથી. કોંગ્રેસે ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે ‘હિન્દુ આતંકવાદ’ની પરિભાષા રચી હતી, પરંતુ કોર્ટે આ વિભાવનાને તોડી પાડી.” તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીના સંસદમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં કહેવાયું હતું કે હિન્દુઓ આતંકવાદી ન હોઈ શકે.
બસવરાજ બોમ્મઈનો પ્રતિભાવ
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ આ ચુકાદાને ‘સત્યનો વિજય’ ગણાવ્યો અને કોંગ્રેસ પર ‘ભગવા આતંકવાદ’નું કાવતરું રચીને ઇસ્લામિક આતંકવાદને છુપાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “કોંગ્રેસે પોતાની ખામીઓ છુપાવવા માટે આ નાટક રચ્યું હતું, પરંતુ કોર્ટના નિર્ણયથી તેમનું ગંદું રાજકારણ ખુલ્લું પડી ગયું.” તેમણે પણ કોંગ્રેસને દેશની માફી માંગવાની માગ કરી.
મેધા કુલકર્ણીનો રોષ
ભાજપના સાંસદ મેધા કુલકર્ણીએ આ નિર્ણયને ન્યાયની જીત ગણાવી અને કહ્યું, “17 વર્ષની લડાઈ બાદ સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિતને ન્યાય મળ્યો.” તેમણે ન્યાયતંત્રની પ્રશંસા કરી અને કોંગ્રેસ પર આતંકવાદને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે પહેલગામની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આતંકવાદ ધર્મના આધારે થાય છે, અને કોંગ્રેસનો ‘આતંકવાદનો કોઈ ધર્મ નથી’નો દાવો ખોટો છે.
દિનેશ શર્માનું નિવેદન
ભાજપના સાંસદ દિનેશ શર્માએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને યુપીએ સરકાર પર સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “યુપીએ સરકારે ‘હિન્દુ આતંકવાદ’ની ખોટી વિભાવના રચીને સનાતન ધર્મના નેતાઓને ખોટા આરોપોમાં ફસાવ્યા. આજના ચુકાદાએ સાબિત કર્યું કે હિન્દુ આતંકવાદી ન હોઈ શકે.”
સાધ્વી પ્રજ્ઞાનું ભાવુક નિવેદન
ઉલ્લેખનીય છે કે, 2008 ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં NIA કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ન્યાયાધીશને સંબોધીને ભાવુક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તપાસ એજન્સીઓએ તેમની ધરપકડ કરી અને ખોટા આરોપો હેઠળ તેમને ત્રાસ આપીને તેમનું જીવન બરબાદ કરી દીધું, જોકે તેઓ સંન્યાસી તરીકેનું જીવન જીવી રહ્યા હતા. સાધ્વી પ્રજ્ઞાએ ઉમેર્યું કે આ ષડયંત્ર દ્વારા ‘ભગવા’ અને હિન્દુત્વને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કોર્ટના નિર્ણયથી હિન્દુત્વની જીત થઈ છે. તેમણે દાવો કર્યો કે તેમની સંન્યાસી વૃત્તિના કારણે જ તેઓ આ ત્રાસમાંથી જીવિત બચ્યા, અને ભગવાન દોષિતોને સજા કરશે. જોકે, તેમણે ન્યાયાધીશ પર ભારત અને ભગવાને બદનામ કરનારાઓને પૂર્ણ રીતે ખોટા સાબિત ન કરવાનો આક્ષેપ પણ લગાવ્યો.
આ પણ વાંચો : Malegaon Blast Case : પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પુરોહિત સહિત 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા