West Bengal Politics : 'ત્યાં સુધી નહીં મરું, જ્યાં સુધી...', બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો પ્રથમ હુંકાર!
Mamata Banerjee Kolkata Protest : પશ્ચિમ બંગાળ (West Bengal) ના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. વિધાનસભા ચૂંટણી (Assembly Election) બાદના પરિણામો અને ત્યારબાદ પોતાના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) કોલકાતાના રાની રાસમણિ રોડ ખાતે આવેલા ‘વાય-ચેનલ’ (Y-Channel) પર ધરણા પર બેઠા છે. મમતાએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કરતા ‘લડો યા મરો’ (Fight or Die) નું સૂત્ર આપ્યું છે.
'BJP ને હટાવીશ તો જ જંપીશ'
સભામંચ પરથી સંબોધન કરતા મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું ત્યાં સુધી જીવતી રહીશ જ્યાં સુધી આ લોકોને સત્તા પરથી ઉખાડી ફેંકું નહીં. હું એક બહાદુરની જેમ લડીશ." તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે બંગાળ ચૂંટણી જીતવા માટે 294 માંથી 177 વિધાનસભા સીટો પર મતોની ગણતરીમાં ગોટાળા કર્યા છે. મમતાએ એવો દાવો પણ કર્યો કે ભૂતકાળમાં ભાજપના નેતાઓ મદદ માટે તેમને ફોન કરતા હતા, જેનો આજે પણ તેમને અફસોસ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપને બાદ કરતા અન્ય તમામ રાજકીય પક્ષો સાથે તેમના સંબંધો સારા છે, પરંતુ ભાજપના ખરાબ દિવસોમાં તેમણે મદદ કરી હતી, જેનો બદલો આજે હિંસાથી આપવામાં આવી રહ્યો છે.
હિંસા અને ગદ્દારી સામે લાલ આંખ
પોતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી (Abhishek Banerjee) પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા મમતા ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે જો તે પથ્થર અભિષેકના માથા પર વાગ્યો હોત, તો તેનું મૃત્યુ પણ થઈ શક્યું હોત. આ ઉપરાંત, પાર્ટી છોડીને ગયેલા ધારાસભ્યો પર કટાક્ષ કરતા મમતાએ તેમને ઇશ્વર-અલ્લાહ પાસે સદબુદ્ધિ માંગવાની સલાહ આપી. તેમણે રાજ્યના વર્તમાન સીએમ સુભેન્દુ અધિકારી (Suvendu Adhikari) પર પણ આકરા પ્રહાર કરતા કહ્યું કે હાલમાં ભાજપના જૂના નેતાઓ પાસે કોઈ સત્તા નથી, બધી સત્તા બહારથી આવેલા લોકોના હાથમાં છે.
ધરણાંનું સમર્થન અને ભવિષ્યની રણનીતિ
આ ધરણાંમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના દિગ્ગજ નેતાઓ જેવા કે મદન મિત્રા, ડોલા સેન અને કલ્યાણ બેનર્જી સહિતના અનેક ધારાસભ્યો અને સાંસદો જોડાયા છે. મમતાએ ચેતવણી આપી છે કે જ્યાં પણ મહાપુરુષોની પ્રતિમાઓ છે, ત્યાં તેમના કાર્યકરો માળાઅર્પણ કરશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો પોલીસ તેમના કાર્યકરોને ધરણાંમાં આવતા રોકશે, તો તેઓ સીધા પોલીસ હેડક્વાર્ટરનો ઘેરાવ કરશે. મમતા બેનર્જીનો આ આકરો મિજાજ દર્શાવે છે કે બંગાળના રાજકારણમાં આગામી દિવસોમાં સંઘર્ષ વધુ તીવ્ર બનશે
આ પણ વાંચો : K Annamalai ની કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો!


