Manipur News : છેલ્લા 3 વર્ષથી મણિપુરમાં જાતીય હિંસા અટકવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે ફરી એક વખત મણિપુરમાં વંશીય હિંસાની આગ હજુ શમી નથી. કાંગપોકપી જિલ્લામાંથી અપહરણ કરાયેલા 6 નાગા યુવકના મૃતદેહ 28 દિવસ બાદ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. યુવકોના મૃતદેહ 28 દિવસ બાદ મળી આવતા સમગ્ર રાજ્યમાં ફરી એકવાર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાએ લોકોમાં દુઃખ અને ગુસ્સો બંને વધારી દીધા છે.
Manipur News : 28 દિવસે મળ્યા 6 મૃતદેહ
મળતી માહિતી અનુસાર, 13 મેના રોજ લેઇલોન વાઇફેઇ (Leilon Vaiphei) ગામમાંથી છ નાગા યુવકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. લાંબી શોધખોળ બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા અને કડક સુરક્ષા વચ્ચે તેમને જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (JNIMS) ખાતે લાવવામાં આવ્યા હતા. મૃતદેહો પહોંચતા જ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
13 મેના રોજ લેઇલોન વાઇફેઇ ગામથી અપહરણ
ઉલ્લેખનીય છે કે આ ઘટનાના વિરોધમાં ઇમ્ફાલ પશ્ચિમ (Imphal West) સહિત અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુનાઇટેડ નાગા કાઉન્સિલ (United Naga Council) દ્વારા 24 કલાકના બંધની જાહેરાત કરવામાં આવી છે. પીડિત પરિવારો અને નાગા સમુદાયે સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આ ઉપરાંત લિયાંગમાઈ નાગા કાઉન્સિલ (Liangmai Naga Council)ના નેતાઓએ જણાવ્યું હતું કે મૃતદેહોને શોધવામાં 28 દિવસ લાગ્યા, જે સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. હાલમાં મૃતદેહોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે.
450 જવાનએ હાથ ધર્યું હતુ સર્ચ ઓપરેશન
મણિપુર પોલીસે જણાવ્યું છે કે રાજ્ય પોલીસ, CRPF અને આસામ રાઇફલ્સ (Assam Rifles)ના લગભગ 450 જવાનોએ સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક ટીમોની મદદથી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જો કે હજી પણ કેસની તપાસ ચાલુ છે.
આ ઘટનાની નાગાલેન્ડ (Nagaland) અને મેઘાલય (Meghalaya)ના મુખ્યમંત્રીઓએ પણ કડક નિંદા કરી છે. ત્રણ વર્ષથી ચાલતા જાતિય તણાવ વચ્ચે આ ઘટના મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ઝટકો માનવામાં આવી રહી છે.
India Weather : દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા અને વરસાદની આગાહી, 12 રાજ્યોમાં એલર્ટ