હવે Mizoram માં ભીખ માંગવા પર પ્રતિબંધ! વિવાદ વચ્ચે વિધાનસભાનો મોટો નિર્ણય
- Mizoram માં ભીખ માંગવા પર પ્રતિબંધ બિલ પસાર
- વિપક્ષના વિરોધ છતાં મિઝોરમમાં નવો કાયદો અમલમાં
- ભિખારીઓ માટે મિઝોરમ સરકારના પુનર્વસનનાં પગલાં
- “રીસીવીંગ સેન્ટર”થી મિઝોરમ સરકાર ભિખારીઓને આપશે સહાય
- મિઝોરમમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લાગુ
- વિવાદ વચ્ચે મિઝોરમ વિધાનસભાનો મોટો નિર્ણય
Mizoram : મિઝોરમ વિધાનસભાએ વિપક્ષના વાંધા છતાં "ભીખ માંગવા પર પ્રતિબંધ" બિલ પસાર કર્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ બિલનો હેતુ માત્ર ભીખ માંગવાનું રોકવાનો નથી, પરંતુ ભિખારીઓને પુનર્વસન, ટકાઉ રોજગારીના વિકલ્પો અને સહાય પૂરી પાડવાનો પણ છે. રાજ્ય સરકારે બહારથી ભિખારીઓના પ્રવેશનો ભય વ્યક્ત કર્યો છે અને તેના માટે "રીસીવીંગ કેન્દ્રો" તેમજ રાહત બોર્ડની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં ભિખારીઓની સ્થિતિ
મિઝોરમ (Mizoram) માં ભીખ માંગવાની સમસ્યા દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી છે. મંત્રીએ જણાવ્યું કે રાજ્યની સામાજિક રચના, ચર્ચ અને સ્થાનિક NGO નો સહકાર તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને કારણે અહીં ભિખારીઓની સંખ્યા મર્યાદિત છે. છતાં રાજ્ય સરકાર વધતા જોખમ અંગે સાવચેત રહેવા માંગે છે. જણાવી દઇએ કે, રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઇએ ચિંતાવ્યક્ત કરી કે સાઈરાંગ-સિહમુઈ રેલ્વે સ્ટેશનના તાજેતરના લોકાર્પણ પછી મિઝોરમમાં અન્ય રાજ્યોમાંથી ભિખારીઓ આવવાની સંભાવના વધી શકે છે. આ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન 13 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સરકારનું માનવું છે કે યોગ્ય નિયમનકારી માળખું લાગુ કરીને રાજ્યને ભિખારીઓથી મુક્ત રાખી શકાય છે.
ભિખારીઓ માટે ‘રીસીવીંગ’ કેન્દ્ર (Mizoram)
મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં એક “રાહત બોર્ડ” સ્થાપિત કરવામાં આવશે, જે તાત્કાલિક નિવાસ માટે 'રીસીવીંગ' કેન્દ્રો બનાવશે. આ કેન્દ્રોમાં ભિખારીઓને થોડા સમય માટે રાખીને 24 કલાકની અંદર તેમને તેમના મૂળ વતન અથવા રાજ્યમાં પાછા મોકલી દેવામાં આવશે. આ પગલાંથી રાજ્યમાં ભિખારીઓનો પ્રવેશ અટકાવવાનો પ્રયાસ થશે.
વિપક્ષના વાંધા
આ બિલ સામે વિપક્ષના સભ્યોએ ચિંતા વ્યક્ત કરી. MNF (Mizo National Front) ના નેતા લાલચંદમા રાલ્ટે સહિતના સભ્યોએ દલીલ કરી કે આ કાયદો ખ્રિસ્તી ધર્મ માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને રાજ્યની છબી પર નકારાત્મક અસર પાડશે. વિપક્ષના મંતવ્ય મુજબ આ બિલ મિઝોરમની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે.
અંતિમ નિર્ણય
લાંબી ચર્ચા બાદ, જેમાં લાલદુહોમા સહિત 13 વિધાનસભ્યોએ ભાગ લીધો હતો, અંતે બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું. આ નિર્ણયથી મિઝોરમ દેશના એવા થોડા રાજ્યોમાં સામેલ થઈ ગયું છે, જેઓએ ભીખ માંગવા પર કાયદેસર પ્રતિબંધ લગાવ્યો છે.
આ પણ વાંચો : Viral : ગણેશજીની મૂર્તિને જોઇને પાલતુ શ્વાને હાથ ઉંચા કરી આશિર્વાદ લીધા, કુદીને ઝુમ્યો