Mosoon Update : કેરળમાં ચોમાસાની રાહ પૂરી: 4 જૂને થશે દસ્તક, 7 દિવસના ઓરેન્જ-યલો એલર્ટની ચેતવણી!
Mosoon Update 2026 : દેશભરના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસા (Monsoon) ના આગમનને લઈને ભારતીય હવામાન વિભાગ ( Indian Meteorological Department) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે 1 જૂનના રોજ કેરળ (Kerala) પહોંચતું ચોમાસું આ વર્ષે થોડું મોડું એટલે કે 4 જૂનના રોજ દસ્તક આપશે. હવામાનશાસ્ત્રીઓના મતે, અરબી સમુદ્ર અને લક્ષદ્વીપના વિસ્તારોમાં અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જેના કારણે ચોમાસાના આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે.
Mosoon Update 2026 : 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી
કેરળમાં ચોમાસાના પ્રવેશ સાથે જ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વૈજ્ઞાનિક નીતા કે. ગોપાલે જણાવ્યું છે કે, 4 જૂનની સાંજથી રાજ્યમાં મુશળધાર વરસાદ શરૂ થવાની શક્યતા છે. આ સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સમગ્ર કેરળમાં આગામી 7 દિવસ સુધી ઓરેન્જ (Orange Alert) અથવા યલો એલર્ટ (Yellow Alert) જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓને રોકવા માટે વિશેષ સાવચેતી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
વરસાદ કેમ મોડો પડ્યો?
IMD એ અગાઉ ચોમાસાના આગમનની તારીખ 26 મે જણાવી હતી, પરંતુ હવામાનમાં થયેલા ફેરફારોને કારણે આ પ્રક્રિયામાં વિલંબ થયો છે. આ વર્ષે ભારતમાં દીર્ઘકાલીન સરેરાશ (LPA - Long Period Average) ના 90% વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, LPA એ 30 થી 50 વર્ષના સરેરાશ વરસાદના ડેટા પર આધારિત ગણતરી છે, જે મુજબ ભારતનું LPA 87 સેન્ટિમીટર નિર્ધારિત છે. 90% થી ઓછો વરસાદ થાય તો તેને 'સામાન્ય કરતા ઓછો' માનવામાં આવે છે.
ચોમાસાનું મહત્વ
વરસાદનું આગમન ખેતીવાડી અને જળ સ્ત્રોતો માટે આશાનું કિરણ લઈને આવ્યું છે. ભારતીય અર્થતંત્રમાં ચોમાસાનો ફાળો ખૂબ જ મહત્વનો છે. હવામાન વિભાગે પૂર્વીય અને મધ્ય ભાગોમાં પણ વરસાદની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. હવે જ્યારે 4 જૂનથી કેરળમાં વરસાદનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશની નજર આ પ્રકૃતિના ઉત્સવ પર છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અધિકૃત હવામાન અપડેટ્સનું પાલન કરે અને સુરક્ષિત રહે.
આ પણ વાંચો : Mumbai Airport : મુંબઈ એરપોર્ટથી ₹4.2 કરોડોનું સોનું ઝડપાયું, દુબઈ લિંક સામે આવી


