Monsoon disaster india : ભારે વરસાદના કારણે 7 લોકો હજી ગુમ હોવાની શક્યતા
જમ્મુ અને કાશ્મીરમાં સૌથી વધુ તારાજી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ, અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે છેલ્લા બે દિવસમાં 23 લોકોના મોત થયા છે. ખાસ કરીને પૂંછ અને રાજૌરી જિલ્લામાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે, જ્યાં સતત વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મોટી અડચણો આવી રહી છે. આ દુર્ઘટનામાં હજુ પણ 7 લોકો ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે.
આસામમાં પૂરથી 580 ગામો જળમગ્ન
આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અહેવાલ મુજબ, રાજ્યના 15 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે અને 3.63 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. રાજ્યના 580 ગામો પાણીમાં ડૂબી ગયા છે અને 10,362 હેક્ટરથી વધુનો પાક નષ્ટ પામ્યો છે. બ્રહ્મપુત્રા સહિતની મુખ્ય નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને ચારધામ યાત્રા સ્થગિત
ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત આશરે 150 રસ્તાઓ બંધ કરી દેવાયા છે. વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે ચારધામ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. બાગેશ્વર જિલ્લામાં સરયુ નદીમાં તણાઈ જવાથી 8 વર્ષના બાળકનું મોત થયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. ઋષિકેશમાં ગંગા નદીના પ્રચંડ પ્રવાહમાં તણાયેલા એક વ્યક્તિને એસડીઆરએફ રાજાજી ટાઇગર રિઝર્વ પાસે સુરક્ષિત રીતે બચાવી લીધો હતો.
હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે એલર્ટ
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં અચાનક આવેલા પૂરને કારણે સાંગલા-ચિટકુલ રોડ અને એક મુખ્ય પુલ ક્ષતિગ્રસ્ત થવાથી સેના અને આઈટીબીપી ચોકીઓનો સંપર્ક તૂટી ગયો છે. ચંબા જિલ્લાના ભરમૌર વિસ્તારમાં વાદળ ફાટવાથી નાળામાં ફસાયેલા ત્રણ મજૂરોનો બચાવ કરાયો છે. કાંગડા, મંડી અને સિરમૌરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બરેલી, બિજનોર, રામપુર અને શાહજહાંપુરમાં ભારે વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : PM Modi : NEET પેપર લીક માટે જવાબદારોને કડક સજા થવી જોઈએ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ નહીં થાય: પીએમ મોદી