Amarnath Yatra 2025:અમરનાથની યાત્રા એક અઠવાડિયા પહેલા બંધ કરાઈ, જાણો કારણ?
જમ્મુ-કાશ્મીર: સમગ્ર દેશમાં ચોમાસાનો કહેર જોવા મળી રહ્યો છે, જેના કારણે પહાડી વિસ્તારોની સાથે સાથે મેદાની વિસ્તારોમાં પણ ભારે તબાહી મચી છે. આસમાનમાંથી વરસતી આફત જેવી વરસાદની પરિસ્થિતિને કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે, જેના પરિણામે અમરનાથ યાત્રા એક અઠવાડિયા વહેલી સમાપ્ત કરવી પડી છે. શનિવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉધમપુરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બે પુલ તૂટી પડ્યા અને પાંચ ઘરોમાં તિરાડો પડી ગઈ.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક પન વીજળી પરિયોજના ભૂસ્ખલનની ઝપેટમાં આવી, જેના કારણે 12 મજૂરો ઘાયલ થયા છે. હિમાચલ પ્રદેશમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 387 રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ તરફ, પંજાબ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પૂરની પરિસ્થિતિ વણસી છે, જેના પગલે સેનાએ બચાવ અને રાહત કાર્ય ઝડપી બનાવ્યું છે.
12 મજૂર આવ્યા ચપેટમાં
ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું કે, હેલંગ પાસે આવેલા THDC વિષ્ણુગઢ જળવિદ્યુત પરિયોજના સ્થળ પર ભૂસ્ખલન થયું, ત્યારે ત્યાં લગભગ 300 મજૂરો કામ કરી રહ્યા હતા. પહાડ પરથી પથ્થરો પડતા જોઈને મજૂરો સુરક્ષિત જગ્યાએ ભાગ્યા, પરંતુ 12 મજૂરો તેની ચપેટમાં આવી ગયા. આ તમામને પીપલકોટીની વિવેકાનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને એક મજૂરને કરોડરજ્જુમાં ઈજા થતાં તેને શ્રીનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
સેનાની ટુકડીઓ કામે લાગી
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેનાએ બચાવ અને રાહત કાર્યને વેગ આપ્યો છે. મધ્ય પ્રદેશના ઈસાગઢ અને સિહોર વિસ્તારોમાં સેનાની ટુકડીઓ રાહત કાર્યમાં લાગી છે, જ્યારે ગુના અને રાજસ્થાનના ધોલપુરમાં પણ સેના તૈનાત કરવામાં આવી છે. સેનાએ અત્યાર સુધીમાં 105 થી વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવ્યા છે અને 300 થી વધુ લોકોને તબીબી સહાય પણ પૂરી પાડી છે.
મૃત્યુઆંક વધીને 101 થયો
હિમાચલ પ્રદેશમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 101 થયો છે. રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH 21, NH 3, NH 305, NH 505) સહિત 387 રસ્તાઓ બંધ છે. આ પૈકી, સૌથી વધુ 187 રસ્તાઓ મંડી જિલ્લામાં છે, જે આ આફતથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ ઉપરાંત, રાજ્યભરમાં 747 વિદ્યુત વિતરણ ટ્રાન્સફોર્મર અને 249 જળ પુરવઠા યોજનાઓને નુકસાન પહોંચ્યું છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરીને પૂર પીડિતોના પુનર્વસન માટે રાહત પેકેજની માંગ કરી છે