MP: ‘પત્ની તેના બોયફ્રેન્ડ સાથે રહે છે…’ પતિએ રસ્તા પર કર્યા ધરણા, કહ્યું- મદદ કરો, નહીંતર મેરઠ જેવી ઘટના બનશે
- એક પતિને પોતાની હત્યા થવાનો ડર
- પત્નીના બોયફ્રેન્ડે મારી નાખવાની ધમકી આપી
- પતિ ધરણા પર બેઠો, CMને કરી મદદની અપીલ
Fear in the husband : મેરઠમાં બનેલી સૌરભ મર્ડર કેસની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. ઘટનાનો ડર એટલો છે કે ગ્વાલિયરના એક યુવકે પોતાને બચાવવા માટે વહીવટીતંત્રને અપીલ કરી છે. યુવકે કહ્યું કે, તેની પત્નીને 3 થી 4 બોયફ્રેન્ડ છે. આવી સ્થિતિમાં, તેને હત્યા થવાનો ડર લાગી રહ્યો છે.
મેરઠ ડ્રમની ઘટના બાદ પતિઓમાં ભયનો માહોલ
યુપીના મેરઠમાં ડ્રમની ઘટના બાદ, જે પતિઓની પત્નીઓ લગ્ન પછી પણ પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધમાં છે, તેમનામાં ભયનો માહોલ છે. ત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં, એક પતિને પોતાની હત્યા થવાનો ડર સતાવી રહ્યો છે. વાત એમ છે કે, યુવાનની પત્નીનો એક બોયફ્રેન્ડ છે. પત્ની તેના પતિને છોડીને બોયફ્રેન્ડ સાથે રહે છે. હવે આ બોયફ્રેન્ડ પતિને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. આવી સ્થિતિમાં, યુવાને પોલીસનો સંપર્ક કર્યો હતો પણ જ્યારે પોલીસે યુવાનની વાત ગંભીરતાથી ન સાંભળી, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને ફૂલબાગ ચોકડી પર મુખ્યમંત્રીના પોસ્ટર નીચે ધરણા પર બેસી ગયો અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને મદદ માટે અપીલ કરી.
ગ્વાલિયરના એબી રોડ પર મહેંદી વાલા સૈયદ વિસ્તારમાં રહેતા અમિત કુમાર સેન મેરઠમાં બનેલી ડ્રમની ઘટના બાદ ગભરાટમાં છે. ખરેખર અમિતને તેની પત્ની દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે. પીડિત પતિ અમિતનો આરોપ છે કે, તેની પત્નીએ અત્યાર સુધીમાં ત્રણથી ચાર બોયફ્રેન્ડ બનાવ્યા છે. આ દિવસોમાં તે ઘર છોડીને તેના બોયફ્રેન્ડ રાહુલ બાથમ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહી છે.
આ પણ વાંચો : TVK ચિફ વિજયે DMK અને ભાજપ પર નિશાન સાધ્યુ, વિભાજનકારી નીતિઓ પર આક્રમક પ્રહારો કર્યા
મોટા દીકરાની પણ હત્યા થઈ હતી
અમિત કહે છે કે, તેની પત્ની અને પત્નીના બોયફ્રેન્ડે સાથે મળીને તેના મોટા દીકરા હર્ષની હત્યા કરાવી હતી. હાલમાં તે નાના દીકરાને લઈને તેના બોયફ્રેન્ડ સાથે રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે તેણે આનો વિરોધ કર્યો, તો તેનો બોયફ્રેન્ડ તેને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. યુવકે જણાવ્યું કે, તેની પત્ની પૂજા તેના નાના દીકરાના નામે ફોન કરીને પૈસા માંગે છે. અમિતને ડર છે કે મેરઠમાં સૌરભ ડ્રમ હત્યા કેસની જેમ તેની પણ હત્યા થઈ શકે છે. આ બાબતે ફરિયાદ કરવા માટે તે ઘણી વખત પોલીસ સ્ટેશને ગયો પણ પોલીસે તેની વાત સાંભળી નહીં. આનાથી હતાશ થઈને, અમિત ગ્વાલિયરના ફૂલ બાગ ક્રોસિંગ પર મુખ્યમંત્રીના પોસ્ટર નીચે ધરણા પર બેસી ગયો.
CM ને મદદની અપીલ
અમિતે મુખ્યમંત્રી ડો.મોહન યાદવને મદદ માટે અપીલ કરી છે. પીડિત અમિતે જણાવ્યું કે તેણે ઘણી વખત પોલીસને ફરિયાદ કરી પરંતુ તેની વાતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જનકગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનો દાવો છે કે અમિત હજુ સુધી પોલીસ સ્ટેશન આવ્યો નથી. આવી સ્થિતિમાં જો અગાઉ કોઈ અરજી આપવામાં આવી હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, મેરઠમાં 3 માર્ચે એક પતિની તેની જ પત્નીએ હત્યા કરી દીધી હતી. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આ હત્યાને અંજામ આપી તેના શરીરના ચાર ટુકડા કરી ડ્રમમાં ભરીને એને સિમેન્ટથી સીલ કરી દીધું હતું. આ ઘટના બાદ હવે લોકોમાં ભયનો માહોલ હોય તેવા કિસ્સાઓ બહાર આવતા રહે છે.
આ પણ વાંચો : સૌથી નાનો સિરિયલ કીલર! જેને 8 વર્ષની ઉંમરમાં 3 કર્યા મર્ડર