મધ્યપ્રદેશના જબલપુરમાં ખુની ખેલ; એકસાથે 4 લોકોની હત્યા, શહેરમાં સનસનાટી
- મધ્યપ્રદેશમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત
- કેટલાક છોકરાઓએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો
- ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
Murder in Jabalpur : મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આજે (સોમવારે) બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક છોકરાઓએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક ઘાયલ થયો છે. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બે જુથ વચ્ચે દલિલ બાદ હિંસા
પાટણ વિસ્તારના પોલીસ સબ-ડિવિઝનલ ઓફિસર લોકેશ ડાબરે ઘટના અંગે માહિતી આપતા ફોન પર જણાવ્યું હતું કે, આ ઘટના જિલ્લા મુખ્યાલયથી 25 કિમી દૂર તિમારી ગામમાં સવારે 11 વાગ્યે બની હતી છે. જ્યારે ઘટનાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સવારે બંને જૂથો વચ્ચે દલીલ થઈ હતી, જેના પછી હિંસા ફાટી નીકળી હતી.
આ પણ વાંચો : Uttarakhand : સમાન નાગરિક સંહિતા ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બનીને ઇતિહાસ રચ્યો
ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત
અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બે જૂથો વચ્ચેની જૂની દુશ્મનાવટનું પરિણામ છે. તેમણે કહ્યું કે, 25 થી 35 વર્ષની વયના યુવાનોના જૂથ પર બીજી બાજુના લોકોએ હુમલો કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક યુવકનું નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ તરત જ મોત નીપજ્યું હતું.
મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત
આ ઘટનામાં અન્ય એક યુવાન ઘાયલ થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે, ઘટનાની તપાસ ચાલુ છે અને ગુનેગારોને પકડવાના પ્રયાસો ચાલુ છે. અધિકારીએ જણાવ્યું કે, ગામમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, આ પ્રકારની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, જેમાં પરિવારે પોતાના નજીકનાને ગુમાવવાનો વારો આવે છે. સરકારની કાયદા અને કાનુનની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો : Prayagraj: મહાકુંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિવેણી સંગમમાં કર્યું પવિત્ર સ્નાન, જુઓ Video