NCERT ના પુસ્તકમાં 'ન્યાયિક ભ્રષ્ટાચાર' નો ઉલ્લેખ: PM મોદીએ પૂછ્યું- બાળકોને શું શીખવી રહ્યા છો?
- NCERT Textbook Controversy : PM મોદી લાલઘૂમ!
- ધોરણ 8ના પુસ્તકમાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર મુદ્દે સર્જાયો વિવાદ
- "બાળકોને શું શીખવી રહ્યા છો?"- કેબિનેટ બેઠકમાં PMની નારાજગી
- સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈ શિક્ષણ મંત્રાલયની ઝાટકણી કાઢી
- પક્ષપાતી શિક્ષણ આપવા બદલ કોર્ટે માફીનામું ફગાવી દીધું
NCERT Textbook Controversy : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના નવા પાઠ્યપુસ્તકોમાં સમાવિષ્ટ સામગ્રીને લઈને દેશમાં મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાને મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના પાઠ્યપુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' (Judicial Corruption) ના મુદ્દાને સામેલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે, "આપણે ધોરણ 8 ના બાળકોને ન્યાયિક ભ્રષ્ટાચાર વિશે શું શીખવી રહ્યા છીએ?"
NCERT Textbook Controversy : સામગ્રીની મંજૂરી પ્રક્રિયા પર ઉઠ્યા સવાલ
વડાપ્રધાને આ પ્રકારની સંવેદનશીલ સામગ્રીને મંજૂરી આપવાની પ્રક્રિયા અને તેના પરની દેખરેખ (Monitoring) અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું કે વર્ગખંડ સુધી આવી સામગ્રી પહોંચે તે પહેલા તેની તપાસ કોણે કરી હતી? નવી પાઠ્યપુસ્તકમાં એક વિભાગ છે જેનું શીર્ષક 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' છે, જેમાં ભ્રષ્ટાચાર, કેસોનો ભરાવો અને ન્યાયાધીશોની અછત જેવી બાબતોને ન્યાયિક પ્રણાલીના પડકારો તરીકે દર્શાવવામાં આવી છે. સરકાર હવે આ બાબતે તપાસ કરી રહી છે કે શું આ સામગ્રી તે વયના વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે કે નહીં.
સુપ્રીમ કોર્ટે લીધી કડક નોંધ
બીજી તરફ, સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલે સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લીધું હતું. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શિક્ષણ મંત્રાલય વતી બિનશરતી માફી માંગી હતી, પરંતુ ચીફ જસ્ટિસ (CJI) તેનાથી સંતુષ્ટ દેખાયા નહોતા. કોર્ટે અવલોકન કર્યું કે NCERT ના પત્રમાં માફીનો કોઈ શબ્દ નથી, ઉલટાનું આ પ્રકરણને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે બાળકોને આ ઉંમરે પક્ષપાતી વિમર્શથી માહિતગાર કરવા અત્યંત અયોગ્ય છે, કારણ કે તેનાથી પાયાની ગેરસમજ પેદા થઈ શકે છે. આ કેસની આગામી સુનાવણી હવે 11 માર્ચના રોજ થશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મોટો ધડાકો! Sunetra Pawar ને સોંપાઈ NCP ની કમાન, વિરોધીઓ ચોંક્યા


