છેલ્લા ઘણા સમયથી દેશનો સામાન્ય માણસ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. તે પછી પેટ્રોલ-ડીઝલમાં હોય કે પછી રાંધણ ગેસના ભાવમાં. તેવામાં સરકાર દેશના લોકોને હજુ એક ફટકો આપવાનું વિચારી રહી છે. GST કાઉન્સિલની આગામી બેઠકની અંદર સૌથી નીચેનો જે ટેક્સ સ્લેબ છે તેને 5%થી વધારીને 8% કરી શકે છે. આ સિવાય આવક વધારવા અને ખોટ પુરવા માટે કેન્દ્ર પર રાજ્ય સરકારની જે નિર્ભરતા છે તેને દૂર કરવા GSTમાંથી જે વસ્તુઓ બાકાત રાખવામાં આવી છે તે યાદીમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા રહેલી છે.ટેક્સ સ્લેબમાં ફેરફારમીડિયા અહેવાલો પ્રમણે આ મહિનાના અંત સુધીમાં તમામ રાજ્યોના નાણા મંત્રીઓની જે સમિતિ છે, તે જીએસટી પરિષદને પોતાની રિપોર્ટ સોંપશે. જેમાં નીચલો ટેક્સ સ્લેબ વધારવા અને તેને તર્કસંગત બનાવવા સહિતની ઘણી સલાહ આપવામાં આવશે. વર્તમાન સમયે GSTમાં ચાર સ્લેબ છે. જેમાં ટેક્સની દર 5,12,18 અને 28 ટકા છે. જીવન જરુરિયાતની જે વસ્તુઓ છે તેને ટેક્સમાંથી બાકાત રાખવામાં આવી છે, અથવા તો તેને સૌથી નીચલા એટલે કે 5 ટકાના GST સ્લેબમાં રાખવામાં આવી છે.ત્યારે અત્યારે એવી ચર્ચા થઇ રહી છે કે આ જે સૌથી નીચલો 5 ટકાનો GST સ્લેબ છે તેને વધારીને 8 ટકા કરવામાં આવી શકે છે. આમ કરવાથી સરકારની આવકમાં વાર્ષિક 1.50 લાખ કરોડ રુપિયાનો વધારો થવાનું અનુમાન છે. આ સ્લેબમાં મોટાભાગે પેકેજિંગ ફૂડ આવે છે. આ સિવાય ટેક્સ પ્રણાલીને તર્ક સંગત અને વ્યવહારુ બનાવવા માટે ટેક્સના ચાર સ્લેબમાંથી ત્રણ સ્લેબ કરવા પર મંત્રી સમૂહ દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી તો 12 ટકા ટેક્સ સ્લેબમાં જે વસ્તુઓ આવે છે તે 18 ટકા સ્લેબમાં જતી રહેશે.શું મોંઘુ થશે?આ સિવાય જે વસ્તુઓને GSTમાંથી બાકાત રાખવામાં આવી છે, તેમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેલી છે. વર્તમાન સમયે બ્રાન્ડ અને પેકેજ વગરના ખાદ્ય પદાર્થ જીએસટીમાંથી બહાર છે. GSTના 5% સ્લેબમાં ખાંડ, તેલ, મસાલા, કોફી, કોલસો, ખાતર, ચા, આયુર્વેદિક દવાઓ, અગરબત્તીઓ, કાજુ, મીઠાઈઓ, હાથથી બનાવેલા કાર્પેટ, લાઈફ બોટ અને બ્રાંડ વગરની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નમકીન અને જીવનરક્ષક દવાઓ પણ સામેલ છે. તેવામાં જો ઉપરમાંથી એક પણ શક્યતા સાચી પડી, તો આ તમામ વસ્તુઓના ભાવમાં અસર થશે અને તે મોંઘુ થઇ શકે છે.