પંજાબ-હરિયાણા હાઈકોર્ટે હરિયાણા સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે હરિયાણાવાસીઓ માટે પ્રાઈવેટ સેક્ટરની નોકરીઓમાં 75 ટકા અનામતના નિર્ણય પર રોક લગાવી દીધી છે. હરિયાણા સરકારે ધરતીપુત્ર નીતી હેઠળ ખાનગી ક્ષેત્રમાં આરક્ષણ આપવાની જાહેરાત કરી હતી. હરિયાણા સરકારના આ આદેશ પર ફરીદાબાદ ઈન્ડસ્ટ્રી એસોસિએશને હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પડકાર આપતા તેને રદ કરવાની હાઈકોર્ટ પાસેથી માગ કરી હતી. આ અરજી પર આજે સુનવણી થતા હાઈકોર્ટે સરકારના આદેશ પર રોક લગાવી દીધી છે અને સરકારને તેના પર જવાબ આપવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે હરિયાણાવાસીઓને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત આપવાના કાયદાને પડકારતી અરજીઓ પર સુનવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી અને સરકારને નોટિસ પાઠવી પુછ્યુ હતું કે શા માટે સરકારના આ કાયદા પર સ્ટે ન મુકવો જોઈએ. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીમાં રોજગાર અધિનિયમ 2020 રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવી આશંકા વ્યક્ત કરાઈ છે આ કાયદાના અમલીકરણથી હરિયણામાંથી ઉદ્યોગોનું પલાયન થશે અને કૌશલ્ય ધરાવતા યુવાનોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થશે. ઓપનના બદલે અનામત સેક્ટરમાંથી નોકરી માટે યુવાનોની પસંદગી કરવાથી વિપરીત અસર થશે. જેથી હરિયાણા સરકારનો આ નિર્ણય યોગ્યતા સાથે અન્યાય છે. સરકારનો આ નિર્ણય સુપ્રિમ કોર્ટના ઘણા નિર્ણયોની વિરદ્ધ છે તેથી તેને રદ્દ કરવો જોઈએ.