દિલ્હીના ચૂંટણી પંચ દ્વારા ગુરુવારે એક આશ્ચર્યજનક નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં યોજાનારી ત્રણ મનપાની ચૂંટણીને થોડા દિવસો માટે મોકૂફ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના ઇશારા પર દિલ્હી ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે આ અંગે ઘણા ટ્વિટ કર્યા છે અને ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર, ભાજપ અને નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ‘ભાજપ ભાગી ગયું, ચૂંટણીઓ મોકૂફ રખાવી અને તેમણે હાર સ્વીકારી લીધી. દિલ્હીના લોકો અત્યારે ખૂબ ગુસ્સામાં છે. તેઓ કહી રહ્યા છે કે આ લોકોની એટલી હિંમત કે ચૂંટણી પણ નથી થવા દેતા, હવે તો તેમની જમાનત જપ્ત કરાવીશું. ચૂંટણી પંચે ભાજપના દાબાવમાં નહોતું આવવું જોઇતું.’ તેમણે અન્ય એક ટ્વિટમાં પુછ્યું કે ‘શું કેન્દ્ર સરકાર કોઇ પણ ચૂંટણી પંચને કોઇ ચૂંટણી ટાળવા કે રદ્દ કરવા માટેનો સીધો નિર્દેશ આપી શકે? બંધારણમાં આવું કશું છે? ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર સામે કેમ ઝુકી રહ્યું છે? મોદીજી હવે આ દેશમાં ચૂંટણી પણ નહીં કરાવે?’આ સિવાય દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે આ નિર્ણયને લોકશાહીની હતયા ગણાવી હતી. તેમણે કહ્યું કે ‘આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી પંચ કેન્દ્રમાં બેસેલી ભાજપથી ડરી ગયું અને પ્રેસ કોન્ફરન્સ કરવા છતા મનપા ચૂંટણીની તારીખ જાહેર ના કરી.’દિલ્હીની ત્રણ મનપાની ચૂંટણી રદ્દરાજધાની દિલ્હીમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ. આ ત્રણે મનપાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થવાની હતી. જે માટે સાંજે પાંચ વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ હતી. જો કે આવું થયું નહી. દિલ્હીના રાજ્ય ચૂંટણી પંચના વડા શ્રીવાસ્તવે કહ્યું કે મને 4:30 કલાકે કેન્દ્ર સરકાર તરફથી સંદેશ મળ્યો છે. જેથી હું અત્યારે ચૂંટણીની તારીખોનું એલાન નહીં કરી શકું. હવે પાંચ-સાત દિવસ બાદ તેની ઘોષણા થશે.