જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકીઓ દ્વારા એક સરપંચને નિશાન બનાવવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લા અંતર્ગત આવતી આડૂરા પંચાયતમાં શુક્રવારે રાત્રે ભાજપ સાથે જોડાયેલા એક સરપંચની આતંકીઓએ હત્યા કરી છે. આતંકીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. તો બીજી તરફ પુલવામા વિસ્તારના ચેવકલાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરુ થયું છે.મળતી માહિતિ પ્રમાણે કુલગામ જિલ્લાની અડૂરા પંચાયતના સરપંચ શબ્બીર અહેમદ મીર તેમના ઘર પાસે ઉભા હતા. ત્યારે બાઇક પર આતંકવાદીઓ આવ્યા અને શબ્બીર પર ગોળીઓ વરસાવીને ભાગી ગયા. લોહીલુહાણ થયેલા સરપંચને સ્થાનિક લોકો તરત જ હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. ગોળી સરપંચના પેટમાં વાગી હતી. બીજી તરફ ગોળીબારનો અવાજ સાંભળતા જ આસપાસ નાસભાગ મચી ગઈ હતી. અંધાધૂંધી અને રાત્રિના કારણે આતંકવાદીઓને ભાગવામાં સરળતા મળી હતી. જે સરપંચની હત્યા થઇ છે, તેમની પત્ની પણ ગ્રામ પંચાયતની સભ્ય છે.ઘટનાની જાણ થતા જ સુરક્ષા દળો દ્વારા તે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી હતી અને તરત જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPF અને પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે અડૂરા પંચાયત અને આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી આતંકીઓ વિશે કંઈ જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે ફરી એક વખત આતંકીઓ દ્વારા સરપંચોનેે નિશાન બનાવાઇ રહ્યા છે. હજુ તો બે દિવસ પહેલા જ કુલગામના ખનમોહમાં એક સરપંચની આતંકીઓ દ્વારા હત્યા થઇ છે.પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણપુલવામાના ચેવકલાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓ અંધારાનો લાભ ઉઠાવીને ભાગવામાં સફળ ન થાય તે માટે યોગ્ય લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.