Pahalgam Terror Attack : નેશનલ હાઇવે પર આતંકી હુમલાનું મોટું એલર્ટ
Pahalgam Terror Attack : કહેવાય છે કે, સમજણ જીવનમાંથી જાય તો જોવા જેવી થાય, કઇંક આવું જ અત્યારે પાકિસ્તાન કરતું જોવા મળી રહ્યું છે. જીહા, પહેલાગામમાં થયેલા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાસ આવી ગઇ છે,જે સ્વાભાવિત પણ છે. કારણ કે, ભારતના મતે પહેલગામમાં થયેલા આતંકી હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સંબંધોમાં પહેલા જ ખટાસ હોવા છતા પાકિસ્તાન પોતાની અવરચંડાઇ ભૂલતું નથી અને આજે સતત આઠમાં દિવસે તેમણે સીઝફાયર તોડ્યું છે. જીહા, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને 1 મેની રાત્રે જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો. આ ઘટનાઓ કુપવાડા, બારામુલ્લા, પૂંછ, નૌશેરા અને અખનૂર વિસ્તારોમાં બની હતી, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો.
કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
May 2, 2025 4:45 pm
કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. નેશનલ હાઈવે પર આતંકી હુમલાનું મોટું એલર્ટ મળી રહ્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ કાશ્મીરમાં હાઈવે એલર્ટ છે.
29 જિલ્લાઓમાં કુલ 50 ઇલેક્ટ્રિક સાયરનની વ્યવસ્થા
May 2, 2025 2:29 pm
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના કડક વલણથી પાકિસ્તાન નારાજ છે. અત્યાર સુધી ભારતે હુમલા જેવી કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ પાકિસ્તાન ભયના છાયા હેઠળ જીવી રહ્યું છે. ભારતની સરહદે આવેલા પંજાબ પ્રાંતથી લઈને અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા રાજ્ય સુધી ભય છે. પાકિસ્તાન સરકાર અને નાગરિકોને ડર છે કે ભારત તરફથી ગમે ત્યારે હવાઈ હુમલો થઈ શકે છે અને આ હવાઈ હુમલાઓ ખૈબર પખ્તુનખ્વામાં પણ પડી શકે છે. ખૈબર પખ્તુનખ્વાના નાગરિક સંરક્ષણ વિભાગે રાજ્યના તમામ 29 જિલ્લાઓને ઇલેક્ટ્રિક સાયરન ગોઠવવા અને ખામીયુક્ત સાયરનને સમારકામ કરાવવાનો આદેશ જારી કર્યો છે. આ એટલા માટે છે કે કોઈપણ હુમલાના કિસ્સામાં જનતાને ચેતવણી આપી શકાય. 29 જિલ્લાઓમાં કુલ 50 ઇલેક્ટ્રિક સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ડર્ટી વર્ક પર પાકિસ્તાનની બેશર્મીથી કબૂલાત
May 2, 2025 12:52 pm
હમેશા આતંકવાદના કારણે આંતરરાષ્ટ્રીય દબાણમાં રહેલા પાકિસ્તાનના નેતાઓએ હવે ખુલ્લેઆમ કબૂલાત કરી છે કે આતંકવાદ પોષવામાં તે દેશની ભૂમિકા રહી છે. રક્ષામંત્રી ખ્વાજા આસિફના નિવેદનને સમર્થન આપતાં વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે આતંકીઓને સહારો આપવો હવે કોઈ રહસ્ય નથી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન છેલ્લા 3 દાયકાથી કટ્ટરપંથી તત્વોને ઝીલતું આવ્યું છે અને કેટલીક નીતિઓના કારણે આતંકને સહજ રીતે પોષવામાં આવ્યો છે. આ નિવેદનથી વિશ્વ સમુદાયમાં ચકચાર મચી છે અને આતંક સામેની લડતમાં પાકિસ્તાનની નિષ્ઠા પર ફરી પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
ભારતીય કાર્યવાહીના ડરથી POK માં ઇમરજન્સીનો સંકેત
May 2, 2025 11:14 am
ભારત દ્વારા સંભવિત લશ્કરી કાર્યવાહીની આશંકા વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ગભરાટનો માહોલ છે. POKના વડા પ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકે ગુરુવારે સંકેત આપ્યો હતો કે જો પરિસ્થિતિ વધુ વણસી તો પ્રદેશમાં ઇમરજન્સી લાદી શકાય છે. સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નીલમ ખીણ અને નિયંત્રણ રેખા (LoC) નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વળી, ધાર્મિક મદરેસાઓને 10 દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. POK સરકારે દાવો કર્યો છે કે ભારતીય આક્રમણની સ્થિતિમાં ખોરાક, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. એક અબજ રૂપિયા ઇમરજન્સી ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉપરાંત, હોટલ, ગેસ્ટહાઉસ અને લગ્ન હોલના માલિકોએ તેમની મિલકતો સેનાને ઓફર કરી છે.
PM મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો દૂરંદેશી નિર્ણય
May 2, 2025 10:03 am
પાકિસ્તાનથી જોડાયેલા આતંકના સતત વધી રહેલા ખતરા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે એક મોટો અને દૃઢ નિર્ણય લીધો છે. દેશમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 48 કલાકની અંદર તેમને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયને રાષ્ટ્રસુરક્ષા સાથે સંકળાયેલ સૌથી મોટી રણનીતિના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવા આહ્વાન કર્યું હતું. સરકારના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકો પાકિસ્તાનમાં નિકાહ કરી ભારતીય રાશન અને રહેઠાણનો લાભ લઈ રહ્યા હતા, જે દેશહિત વિરુદ્ધનો પ્રયાસ છે. અમિતભાઈ શાહની ચાણક્યનીતિ પ્રમાણે ઊઠાવવામાં આવેલું આ પગલું રાષ્ટ્રસુરક્ષાને મજબૂત બનાવવાનું એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થઈ રહ્યું છે.
SC ના વકીલ અશ્વિની ઉપાધ્યાયનો ચોંકાવનારો દાવો - 5 લાખ મહિલાઓના પાકિસ્તાનમાં નિકાહ
May 2, 2025 9:59 am
પહેલગામ આતંકી હુમલા વચ્ચે ભારતમાં પાકિસ્તાનના આતંકના નવા ચહેરાનો પર્દાફાશ થયો છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયે એક ચોંકાવનારો દાવો કર્યો છે. અશ્વિની ઉપાધ્યાયે કરેલા દાવા પ્રમાણે 5 લાખ ભારતીય મહિલાઓએ પાકિસ્તાનમાં નિકાહ કર્યા બાદ અંદાજે 25 લાખ બાળકો પેદા કર્યા છે. તે તમામ મહિલાઓએ હજુ સુધી પાકિસ્તાનની નાગરિકતા નથી લીધી. રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવતા અશ્વિની ઉપાધ્યાયે કાયદામાં રહેલા છીંડાને પણ ઊજાગર કર્યા હતા. આવી મહિલાઓનો નાર્કો ટેસ્ટ કરવાની અને તેમના ઉદ્દેશ્ય અંગે જાણકારી મેળવીને કાર્યવાહી કરવાની માગ કરી છે.
પહેલગામ હુમલા મુદ્દે પાકિસ્તાન પર ભડક્યા બાબા બાગેશ્વર
May 2, 2025 9:41 am
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં ભારત પર થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાન પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે જાહેર મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આજના દિવસે આશરે 80 હજાર પાકિસ્તાની મહિલાઓ ભારતમાં રહીને અહીંના સુવિધાઓનો લાભ લઈ રહી છે, જ્યારે તેમના પતિઓ પાકિસ્તાનમાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ સ્થિતિ પર વ્યંગ કરતા કહ્યું કે, "પત્ની નથી સચવાતી તે દેશ કેમ સાચવશે?" — જે નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનું ઉદાહરણ આપીને પાકિસ્તાનની સાથેના સંબંધો અને તેનું વિશ્વાસઘાતક વલણ પણ ઉજાગર કર્યું.
ભાજપ સાંસદ નિશિકાંત દુબેનો મોટો દાવો
May 2, 2025 9:34 am
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે લગ્ન પછી ભારતમાં રહેતી લગભગ 5 લાખ પાકિસ્તાની છોકરીઓ હજુ પણ પાકિસ્તાની નાગરિક છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, આ દુશ્મનો સામે કેવી રીતે લડવું. પહેલગામ હુમલા પછી આ મુદ્દો વધુ ગંભીર બની ગયો છે. જણાવી દઇએ કે, સરકારે કેટલાક વિઝા ધારકોને દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું.
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતની તાકાત વધી
May 2, 2025 9:09 am
પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, અમેરિકાએ ભારત સાથે એક મોટો લશ્કરી સોદો કર્યો છે. અમેરિકાએ ભારતને તેમના વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં રાખીને 131 મિલિયન યુએસ ડોલરના મૂલ્યના મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેર અને લોજિસ્ટિક્સ સપોર્ટ એસેટ્સ પૂરા પાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પેન્ટાગોન હાઉસના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાય તેવી શક્યતા છે. આ પ્રસ્તાવિત પુરવઠો વિદેશી લશ્કરી વેચાણ માર્ગ દ્વારા ઈન્ડો-પેસિફિક મેરીટાઇમ ડોમેન જાગૃતિ કાર્યક્રમના માળખા હેઠળ ભારત-યુએસ સહયોગ સાથે જોડાયેલો છે. અમેરિકા તરફથી લશ્કરી હાર્ડવેરની સપ્લાય બાદ ભારતીય સેનાની તાકાત વધશે.
વાયુસેનાનું શૌર્ય જોઈ દુશ્મનને વળશે પરસેવો
May 2, 2025 9:03 am
આજે ભારતીય વાયુસેના (INDIAN AIR FORCE) ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે (GANGA EXPRESSWAY - UP) પર એર-શો (AIR SHOW) દરમિયાન પોતાની શક્તિનું પ્રદર્શન (POWER EXERCISE) કરશે. જેમાં યુદ્ધ અને કટોકટી જેવી પરિસ્થિતિઓ માટે પોતાની ક્ષમતાનો પરિચય કરાવશે. આ એર-શો ઉત્તરપ્રદેશના શાહજહાંપુરથી 3.5 કિમી દૂર યોજાઈ રહ્યો છે. અહિં લાંબો એક્સપ્રેસ-વે હવાઇ પટ્ટીની ગરજ સારશે. આ એર-શોમાં ભારતીય વાયુસેનાને શ્રેષ્ઠ લડાકુ વિમાન રાફેલ, જગુઆર અને મિરાજ ઉડાન ભરશે. આ એર-શો નો હેતુ કટોકટી સમયે એક્સપ્રેસ-વે નો હવાઇ પટ્ટી તરીકે વૈકલ્પિક ઉપયોગ કરવાનો છે. આ દેશની પહેલી એવી હવાઇ પટ્ટી હશે, જ્યાં વાયુસેનાના લડાકુ વિમાનો દિવસ-રાત ગમે ત્યારે લેન્ડિંગ કરી શકશે. સુરક્ષાને ધ્યાને રાખીને રન-વેની બંને બાજુ લગભગ 250 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
LoC પર પાકિસ્તાની ચોકીઓ તરફથી ગોળીબાર
May 2, 2025 8:55 am
ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "1-2 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ કુપવાડા, બારામુલ્લા, પૂંછ, નૌશેરા અને અખનૂરના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાના જવાનોએ તાત્કાલિક અને યોગ્ય રીતે જવાબ આપ્યો હતો." ગોળીબારમાં કોઈ નુકસાન થયું હોવાના તાત્કાલિક અહેવાલ નથી.