મુંબઈ: મહારાષ્ટ્રમાં 29 નગર નિગમોની ચૂંટણીમાં રાજ્યની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. જ્યાં એક તરફ રાજ્ય સ્તર પર સત્તારુઢ મહાયુતિ- ભાજપ-શિંદે શિવસેના-એનસીપી અજીત પવાર જૂથ અને વિપક્ષી મહાવિકાસ અઘાડી- કોંગ્રેસ-શિવસેના યુબીટી-એનસીપી શરદ પવાર, વચ્ચે મુકાબલો હતો. ત્યારે નગર નિગમોની ચૂંટણીમાં આ ગઠબંધનનોની એકતાને હલબલાવતી રાજકીય ઘટનાઓ પણ બની છે. આ રાજકીય ઉથલ-પાથલ વચ્ચે પિંપરી-ચિંચવડ નગર નિગમમાં પવાર પરિવાર એકસાથે આવ્યો છે અને તેનાથી સ્થાનિક ચૂંટણીના સમીકરણો તો પવાર પરિવારની તરફેણમાં જ નમ્યા છે. પરંતુ રાષ્ટ્રીય રાજનીતિ પર પણ તેની અસરના સંકેત મળી રહ્યા છે.
પવાર પરિવારની એકતા
પુણે અને પિંપરી-ચિંચવડ પવાર પરિવારનો રાજકીય ગઢ મનાય છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારે નગર નિગમો માટે નવી રણનીતિ પર કામ શરુ કર્યું. વૈચારિક સ્તર પર ભલે તે મહાયુતિમાં પણ ઘણાં મુદ્દાઓ પર તેમના વિચાર ભાજપ અને શિંદે શિવસેનાથી અલગ રહ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં તેમણે પોતાના કાકા શરદ પવાર સાથે સંવાદનો રસ્તો પસંદ કર્યો. સૂત્રો મુજબ, ગત કેટલાક સપ્તાહમાં એનસીપી-શરદ પવાર જૂથના ઘણાં મહત્વના નેતાઓ બંધબારણે પવારને મળ્યા. આ બેઠકો બાદ પિંપરી-ચિંચવડ નગર નિગમ ચૂંટણી માટે બંને જૂથોમાં સંમતિ બની. ત્યાં સુધી કે પુણે નગર નિગમને લઈને પણ વાતચીત ચાલુ હોવાની જાણકારી સામે આવી છે.
અજીતનું નિવેદન
બારામતીમાં અજીત પવાર અન શરદ પવારની મુલાકાતનો આખો ઘટનાક્રમ એક ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. તેના એક દિવસ બાદ એક રેલીમાં પિંપરી-ચિંચવડ માટે ગઠબંધનનું અનૌપચારીક એલાન થયું. રેલીમાં અજીત પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ પિંપરી-ચિંચવડ નગર નિગમ ચૂંટણી માટે ઘડિયાળ અને રણશિંગુ એકસાથે આવ્યું છે. પરિવાર એકજૂટ થયો છે. આ નિવેદન માત્ર નગર નિગમ ચૂંટણી સુધી મર્યાદીત માનવામાં આવે છે, પરંતુ તેના રાજકીય નિહિતાર્થો ઘણાં મોટા હોવાનું જણાવાય રહ્યું છે.
પણ આ ઘટનાક્રમમાં અજીત પવારે મહાયુતિમાં ભાજપ સાથે સરકારમાં સામેલ થવાની સાથે એ પણ દ્રઢનિર્ધારીત રાખ્યું છે કે તેઓ કે તેમની પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સુરક્ષિત અંતરને જાળવી રાખે. આની પાછળ મરાઠા-મુસ્લિમ મત સમીકરણોની તેમના કાકા શરદ પવાર પાસેથી મળેલી વારસાગત રાજનીતિ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. આવા સંજોગોમાં શરદ પવાર એનડીએમાં આવે તેવા સંકેતોની ચર્ચા વચ્ચે એ શક્યતા પણ નકારી શકાય નહીં કે અજીત પવાર કાકા શરદ પવાર પાસે પાછા પણ જઈ શકે છે. આ બધો ઘટનાક્રમ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના દોઢ-બે વર્ષ પહેલા આકાર લેવા લાગે તો નવાઈ પામવા જેવું નહીં હોય.