PM Modi Mizoram visit : મિઝોરમ ભારતીય રેલવે સાથે જોડાયું, PM મોદીએ આપી 8070 કરોડની ભેટ
- PM નરેન્દ્ર મોદીએ મિઝોરમમા હજારો કરોડના પ્રોજેક્ટની આપી ભેટ (PM Modi Mizoram visit)
- 8070 કરોડ રૂપિયાની બૈરાબી સૈરાંગ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું
- આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી
- PM મોદી 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી 5 રાજ્યોની મુલાકાત લેશે
PM Modi Mizoram visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ સહિત ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોના ત્રણ દિવસના મહત્ત્વપૂર્ણ પ્રવાસે છે. તેમનો આ પ્રવાસ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ત્રણ દિવસ દરમિયાન તેઓ પાંચ રાજ્યો – મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે.
પ્રવાસના પ્રથમ ચરણમાં વડાપ્રધાન મોદી મિઝોરમ પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યને હજારો કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ્સની ભેટ આપી. આ પ્રોજેક્ટ્સમાં 8,070 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી બૈરાબી-સૈરાંગ રેલ લાઇનનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ સાથે, મિઝોરમ હવે પહેલીવાર ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાઈ ગયું છે, જે રાજ્ય માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ પ્રસંગે, વડાપ્રધાને ત્રણ નવી ટ્રેનોને પણ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું.
આ ઉપરાંત, પીએમ મોદીએ મિઝોરમની રાજધાની આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાના અન્ય અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સમાં આઈઝોલ બાયપાસ, થેન્ઝોલ-સિયાલસુક અને ખાનકાઉન-રોંગુરામાં કનેક્ટિવિટી વધારવા માટેના વિવિધ વિકાસ કાર્યો સામેલ છે.
વડાપ્રધાન મોદીનું સંબોધન
મિઝોરમમાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, "હું મિઝોરમના લેન્ગપૂઈ એરપોર્ટ પર છું. કમનસીબે, ખરાબ હવામાનના કારણે હું આઈઝોલના લોકો સાથે રૂબરૂ મળી શક્યો નથી. તેમ છતાં, હું અહીંથી પણ તમારા પ્રેમ અને સ્નેહને અનુભવી શકું છું."
તેમણે ઉમેર્યું કે, "આજ મિઝોરમ માટે અને દેશ માટે એક ઐતિહાસિક દિવસ છે. આજે આઈઝોલ ભારતના રેલવે નકશામાં સામેલ થઈ ગયું છે. અનેક પડકારોનો સામનો કર્યા બાદ બૈરાબી-સૈરાંગ રેલ લાઇનને વાસ્તવિકતામાં ફેરવવામાં આવી છે." પીએમ મોદીએ આ નવી રેલવે લાઇનને માત્ર એક કનેક્શન નહીં, પરંતુ 'પરિવર્તનની જીવાદોરી' ગણાવી અને કહ્યું કે તે મિઝોરમના લોકો માટે એક નવી ક્રાંતિ સાબિત થશે, જે તેમને સમગ્ર ભારત સાથે જોડશે.
PM મોદીએ સંબોધનમાં વિપક્ષ પર કર્યા પ્રહાર
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, "ઘણા લાંબા સમય સુધી આપણા દેશની રાજકીય પાર્ટીઓએ વોટબેંકની રાજનીતિ માટે સમગ્ર ઉત્તર-પૂર્વીય રાજ્યોને અવગણ્યા. પરંતુ અમારો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે અલગ છે. જેમને પહેલા અવગણવામાં આવ્યા, તેઓ હવે અમારી પહેલી પ્રાથમિકતા છે."
છેલ્લા 11 વર્ષથી સરકાર કરી રહી છે વિકાસના કામ
તેમણે ઉમેર્યું કે, છેલ્લા 11 વર્ષોથી તેમની સરકાર ઉત્તર-પૂર્વના વિકાસ માટે સતત કામ કરી રહી છે અને આ ક્ષેત્ર દેશ માટે 'ગ્રોથ એન્જિન' તરીકે ઊભરી રહ્યું છે. તેમણે ગ્રામીણ રસ્તાઓ, હાઇવે, મોબાઇલ, ઇન્ટરનેટ અને વીજળી કનેક્ટિવિટીમાં થયેલા સુધારા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે મિઝોરમને 'ઉડાન' યોજનાનો પણ લાભ મળ્યો છે અને ટૂંક સમયમાં અહીં હેલિકોપ્ટર સેવા પણ શરૂ થઈ જશે.
આ પણ વાંચો : Maharashtra માં આ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું,સરકારે જાહેરનામું બહાર પાડ્યું