PM Modi Netanyahu Call: નવા વર્ષના પ્રારંભે મોદી-નેતન્યાહુની વાતચીત, આતંકવાદ સામે લડવા મક્કમ નિર્ધાર
- PM મોદી અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ફોન પર ખાસ વાતચીત (PM Modi Netanyahu Call)
- આતંકવાદ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ' ની નીતિ પર બંને દેશોએ મુક્યો ભાર
- પશ્ચિમ એશિયામાં સ્થિરતા અને ગાઝા શાંતિ યોજના અંગે થયું મંથન
- સંરક્ષણ અને નવી ટેકનોલોજીમાં ભાગીદારી વધારવાનો સંયુક્ત સંકલ્પ
- પ્રવાસ રદ થવા અંગેની તમામ અફવાઓ પર બંને નેતાઓએ મૂક્યું પૂર્ણવિરામ
PM Modi Netanyahu Call : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ વર્ષ 2026ની શરૂઆત એક મજબૂત રાજદ્વારી સંદેશ સાથે કરી છે. બુધવારે (7 જાન્યુઆરી 2026) બંને નેતાઓએ ટેલિફોનિક વાતચીત કરી પરસ્પર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને આતંકવાદ વિરુદ્ધ ખભેખભા મિલાવીને લડવાનો તેમજ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા અને ભાવિ રોડમેપ
બંને મહાનુભાવોએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની ઊંડી સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ કૃષિ, સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન જેવા પાયાના ક્ષેત્રો ઉપરાંત નવી ઉભરતી ટેકનોલોજીમાં પણ સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે આ વાતચીત ભારત અને ઇઝરાયેલની અતૂટ દોસ્તીનું પ્રમાણ આપે છે.
Glad to speak with my friend, Prime Minister Benjamin Netanyahu and convey New Year greetings to him and the people of Israel. We discussed ways to further strengthen the India-Israel Strategic Partnership in the year ahead.
We also exchanged views on the regional situation and…
— Narendra Modi (@narendramodi) January 7, 2026
આતંકવાદ વિરુદ્ધ કડક વલણ
આ વાર્તાલાપમાં આતંકવાદનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. બંને નેતાઓએ આતંકવાદના કોઈપણ સ્વરૂપને સાંખી ન લેવાની કટિબદ્ધતા દોહરાવી હતી. ખાસ કરીને દિલ્હીમાં તાજેતરમાં થયેલા વિસ્ફોટો અને વૈશ્વિક કટ્ટરવાદને ધ્યાનમાં રાખીને, બંને દેશોએ ગુપ્તચર માહિતી (Intelligence Sharing) ની આપ-લે અને એન્ટી-ટેરર ઓપરેશન્સમાં પરસ્પર સહકાર વધારવા સંમતિ દર્શાવી છે.
શાંતિ સ્થાપવા ભારતની ભૂમિકા
પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મંથન કરતા પીએમ મોદીએ આ ક્ષેત્રમાં કાયમી શાંતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. ભારતે ગાઝા શાંતિ યોજનાના ઝડપી અમલીકરણ માટે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ઇઝરાયેલના પીએમએ પણ શાંતિ સ્થાપવા માટે એક વિશ્વસનીય મધ્યસ્થી તરીકે ભારતની વધતી જતી ભૂમિકાના ભારોભાર વખાણ કર્યા હતા.
Thank you, my friend, Prime Minister Modi, for the warm conversation and friendship.
I extend my best wishes to the people of India.
Israel values the deep partnership with India and our shared determination to defeat terrorism. 🇮🇱🇮🇳 https://t.co/5FmZgKXsYo
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) January 7, 2026
અફવાઓ પર વિરામ અને મજબૂત મિત્રતા
ડિસેમ્બર 2025માં નેતન્યાહુનો ભારત પ્રવાસ સુરક્ષા કારણોસર ત્રીજી વખત ટળતા અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, આ તાજેતરની સકારાત્મક વાતચીતે તે તમામ અફવાઓનો અંત લાવી દીધો છે. બંને નેતાઓએ સતત સંપર્કમાં રહેવાનો વાયદો કર્યો છે, જે દર્શાવે છે કે પ્રવાસ ભલે ટળ્યો હોય પણ બંને દેશોના આત્મીય સંબંધોમાં કોઈ ઓટ આવી નથી.
આ પણ વાંચો : શું PM મોદીએ અપાચે હેલિકોપ્ટર મુદ્દે ટ્રમ્પ પાસે મુલાકાત માગી હતી? જાણો શું છે સત્ય


