સંસદમાં PM મોદીનું ધારદાર સંબોધન, કોંગ્રેસને યાદ અપાવી તેમની ભૂતકાળની ભૂલો
- PM મોદીનું સંસદમાં સંબોધન
- કલમ 370 દેશની એકતામાં અવરોધ હતી, તેથી અમે તેને દફનાવી દીધી - PM મોદી
- ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : PM મોદી
- PM મોદીના વિપક્ષ પર પ્રહાર: દેશની એકતા માટે અપીલ
- રાજર્ષિ ટંડન અને આંબેડકરના યોગદાનને PM મોદીએ યાદ કર્યા
- મહિલાઓના સશક્તિકરણ માટે સરકારની પ્રાથમિકતા
- દેશમાં એકતા જાળવવાની PM મોદીની અપીલ
PM Modi Speech in Parliament : લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય લોકશાહીના ગૌરવ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. PM મોદીએ જણાવ્યું કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને તેના પર અમને ગર્વ છે. ભારતના બંધારણના 75 વર્ષ પૂરાં થતા આ મહત્વના અવસરે તેમણે રાજર્ષિ પુરુષોત્તમ દાસ ટંડન અને બાબા સાહેબ આંબેડકર જેવા મહાન આદર્શ પાત્રોને યાદ કર્યા, જેઓએ દેશના લોકશાહીના પાયાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
PM મોદીએ રાજર્ષિ ટંડન અને આંબેડકર જેવી હસ્તીઓને યાદ કર્યા
PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે, રાજર્ષિ ટંડન અને આંબેડકર જેવી હસ્તીઓના પ્રયત્નોથી ભારતની લોકશાહીને આજે વિશ્વ માટે એક પ્રેરણા સ્ત્રોત બનવામાં મદદ મળી છે. આ સાથે તેમણે જાહેર કર્યું કે, ભારતમાં લોકશાહીનો મજબૂત પાયો નાગરિકોના પ્રયત્નો અને લોકશાહીની પરિપક્વતા પર આધારિત છે.
મહિલાઓના સશક્તિકરણ માટે નારી શક્તિ વંદન કાયદો
PM મોદીએ સંસદમાં નારી શક્તિ અને મહિલાઓના સશક્તિકરણ વિશે પણ વિચારો વ્યક્ત કર્યા. PM મોદીએ નારી શક્તિ વંદન કાયદાને સીમાચિહ્નરૂપ કાયદો ગણાવ્યો અને જણાવ્યું કે આ કાયદો મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં વધુ તક પૂરી પાડશે. PM મોદીએ જણાવ્યું, “ભારતે વિશ્વમાં પ્રથમ વખત મહિલાઓને મતાધિકાર આપ્યું અને હવે સંસદમાં મહિલા સાંસદોની સંખ્યા સતત વધતી જાય છે.” મહિલાઓના સશક્તિકરણને સરકારની પ્રાથમિકતા ગણાવતા PM મોદીએ જણાવ્યું કે, જ્યારે મહિલાઓ માટેની તકો વધશે ત્યારે દેશ તમામ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશે.
વિપક્ષ પર નિશાન અને કલમ 370નો ઉલ્લેખ
વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કરતાં PM મોદીએ જણાવ્યું કે, કેટલાક દશકો સુધી કેટલાક લોકો વિવિધતામાં વિરોધાભાસ શોધવામાં વ્યસ્ત રહ્યા, જે એકતાને નુકસાન પહોંચાડે છે. PM મોદીએ સ્પષ્ટ જણાવ્યું કે, કલમ 370 દેશની એકતામાં અવરોધ બની હતી, અને BJP સરકારે આ અવરોધને દૂર કર્યો છે. PM મોદીએ કહ્યું, “દેશે તમામ પડકારોને પાર કરીને એકતા જાળવી રાખવાની જરૂર છે.” તેમણે આઝાદી પછી કેટલીક વિકૃત માનસિકતાના લોકો દ્વારા એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો પર આક્રોશ વ્યક્ત કર્યો. PM મોદીએ કહ્યું કે દેશના વિકાસ માટે એકતા મહત્વપૂર્ણ છે અને દેશ એક થઈને કાર્ય કરશે ત્યારે તમામ પડકારોને તકમાં ફેરવી શકાશે.
ભારતની આર્થિક વિકાસયાત્રા
ભારતના ભવિષ્ય વિશે PM મોદીએ પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. PM મોદીએ ભારતીય અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે, દેશના નાગરિકો આ વિકાસયાત્રાનો હિસ્સો બની રહ્યા છે. PM મોદીએ નાગરિકોને દેશના વિકાસમાં ભાગીદાર બનવાની અપીલ કરી અને કહ્યું કે દેશની પ્રગતિ મહિલાઓની ભાગીદારીથી પ્રેરિત છે. PM મોદીએ વધુમાં કહ્યું કે, "મહિલા શક્તિ આગળ વધશે ત્યારે દેશ નવી ઊંચાઈઓ સર કરી શકશે.”
આ પણ વાંચો: LIVE: Parliament Live Updates : કલમ 370 દેશની એકતામાં અવરોધ હતી, તેથી અમે તેને દફનાવી દીધી - PM મોદી