PM Narendra Modi એ દલાઈ લામાને 90મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- આજે આધ્યાત્મિક નેતા Dalai Lama નો 90મો જન્મદિવસ છે
- PM Modi એ X પર પાઠવી જન્મદિવસની શુભેચ્છા
- વડાપ્રધાને લામાના તંદુરસ્ત આરોગ્ય માટે પ્રાર્થના પણ કરી
- ધર્મશાલામાં ભવ્ય ઉજવણી માટે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું
Dalai Lama's 90th Birthday : આજે 6 જુલાઈએ અગ્રણી આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા (Dalai Lama) નો 90મો જન્મ દિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ સોશિયલ મીડિયામાં માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ તેમને પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તનું પ્રતીક ગણાવ્યા છે. વડાપ્રધાને લામાના તંદુરસ્ત આરોગ્ય માટે પ્રાર્થના પણ કરી છે. ધર્મશાલા (Dharamshala) માં દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણી માટે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ધર્મશાલામાં દલાઈ લામાએ હજૂ 30-40 વર્ષ સુધી જીવતા રહેવાની મનોકામના જાહેર કરી છે.
વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
આજે 6 જુલાઈએ અગ્રણી આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાનો 90મો જન્મ દિવસ છે. આજે વડાપ્રધાને દલાઈ લામા માટે એક ભાવનાત્મક સંદેશ પોસ્ટ કર્યો છે. વડાપ્રધાને લખ્યું કે, હું 1.4 અબજ ભારતીયો સાથે પરમ પવિત્ર દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તના શાશ્વત પ્રતીક રહ્યા છે. તેમના સંદેશે તમામ ધર્મોના લોકોમાં આદર અને પ્રશંસાને પ્રેરણા આપી છે. અમે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની ઈચ્છા રાખીએ છીએ.
2 દિવસીય ઉજવણી
તિબેટિયન ધર્મગુરુ 14મા દલાઈ લામા તેનઝિન ગ્યોત્સો (Tenzin Gyatso) ના 90મા જન્મદિવસ પર મેક્લોડગંજમાં બે દિવસીય ભવ્ય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ, હોલિવૂડ અભિનેતા રિચાર્ડ ગેરે (Richard Gere) ઉપસ્થિત રહ્યા છે. લગભગ 50 દેશોમાંથી હજારો બૌદ્ધ સાધુઓ અને દલાઈ લામાના અનુયાયીઓ ધર્મશાલામાં પધારી ચૂક્યા છે. આ કાર્યક્રમ સંદર્ભે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધર્મશાલામાં દરેક ઈંચ પર સુરક્ષાકર્મીઓ બાજ નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ PM Modi ની આર્જેન્ટિના મુલાકાતની ફળશ્રુતિઓ
ઉત્તરાધિકારીની અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ
દલાઈ લામાના આગામી ઉત્તરાધિકારીનો વિવાદ વર્ષોથી ચાલ્યો આવ્યો છે. ચીનનો સ્વાર્થ સૌ કોઈ જાણે છે. જો કે ગઈકાલે જ દલાઈ લામા તેનઝિન ગ્યોત્સોએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેટલીક ભવિષ્યવાણીઓને જોતા મને લાગે છે કે, મારા પર અવલોકિતેશ્વરના આશીર્વાદ છે. મેં અત્યાર સુધીમાં સર્વ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. મને આશા છે કે, હું હજુ 30-40 વર્ષ જીવિત રહીશ. તમારી પ્રાર્થના અત્યાર સુધી ફળદાયી રહી છે. જોકે આપણે આપણો દેશ ગુમાવી દીધો છે અને આપણે ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છીએ, પરંતુ અહીં હું ધર્મશાલામાં રહેતાં ઘણા લોકોને લાભ આપવામાં સક્ષમ રહ્યો છું. હું શક્ય તેટલો લોકોને લાભ અને સેવા આપવાની ભાવના રાખું છું.
આ પણ વાંચોઃ Elon musk New Political Party: એલોન મસ્કે નવા રાજકીય પક્ષની જાહેરાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ટક્કર આપશે