દિલ્હી ચૂંટણી પહેલાં રાજકીય તાપમાન ચરમસીમાએ! CM આતિશીએ કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ
- મને ત્રણ મહિનામાં બે વાર મુખ્યમંત્રી આવાસની બહાર નીકાળવામાં આવી
- દિલ્હી CM Atishi નો કેન્દ્ર સરકાર પર આરોપ
- PWDએ કહ્યું- તે ત્યાંથી શિફ્ટ નથી થયા
Delhi CM Atishi Allegation On BJP : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની ઘોષણા થતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે. રાજકીય દળો ચૂંટણી જીતવા માટે સક્રિય થઈ ગયા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આક્ષેપ કર્યા છે.
મને સરકારી આવાસમાંથી બહાર કાઢવામાં આવી : CM Atishi
મુખ્યમંત્રી આતિશીએ જણાવ્યું કે મંગળવારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી, અને ત્યાર બાદ તેમને પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ગઈકાલે રાત્રે, ત્રણ મહિનામાં બીજી વખત, કેન્દ્ર સરકાર દ્વારા તેમનો સરકારી આવાસ છીનવી લેવામાં આવ્યો હતો. આ માટે પત્ર મોકલીને CM આવાસની ફાળવણી રદ કરવામાં આવી હતી. આતિશીએ દાવો કર્યો કે, 3 મહિના પહેલાં પણ તેમના અને તેમના પરિવારના સામાનને સરકારી આવાસમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.
કામમાં અવરોધ લાવવાનો પ્રયાસ : CM Atishi
આતિશીએ આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું કે, BJP તેમને કામ કરવાથી રોકી અને તેમના ઘરો છીનવીને તેમના પરિવાર સામે અપશબ્દો બોલી રહી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિઓ તેમને કામ કરતા રોકી નહીં શકે. તેમણે વધુમાં જણાવ્યું કે, "તેઓ અમારા ઘરો છીનવી શકે છે, પરંતુ લોકો માટે કામ કરવાની અમારી ઇચ્છાને અટકાવી શકશે નહીં."
દિલ્હીવાસીઓ માટેના આતિશીના નિર્ણય
CM આતિશીએ વધુમાં કહ્યું કે જો જરૂર પડશે, તો તેઓ દિલ્હીના લોકોના ઘરે જ જશે અને ત્યાં રહીને લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે. આ સાથે તેમણે દિલ્હી સરકારની વિવિધ યોજનાઓ, જેમ કે સંજીવની યોજના હેઠળ વૃદ્ધોની મફત સારવાર, મહિલાઓ માટે 2100 રૂપિયાની સહાય અને પૂજારીઓ માટે 18,000 રૂપિયાના માનદ વેતન જેવી યોજનાઓને અમલમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
PWD વિભાગની સ્પષ્ટતા
આ મુદ્દે PWD વિભાગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. વિભાગે જણાવ્યું કે, મુખ્યમંત્રી આતિશીએ 6 ફ્લેગ સ્ટાફ રોડના ભૌતિક કબજાને ક્યારેય ગ્રહણ કર્યું નહોતું. અનેક રીમાઇન્ડર્સ પછી પણ, તેમણે તે ઘરનો ઉપયોગ કરવાનું શરૂ નહોતું કર્યું. આ કારણસર, આ સરકારી આવાસની ફાળવણી રદ કરી દેવામાં આવી હતી. PWD વિભાગે વધુમાં કહ્યું કે આ આવાસમાં આતિશીના સૂચન પર ફેરફાર કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ત્યાં રહેવા આવેલા નહોતા.
આ પણ વાંચો: 'શું તમે વૃદ્ધ વ્યક્તિને ગાળો બોલશો?', પિતા પર બિધુડીના વિવાદાસ્પદ નિવેદન પર CM આતિશી થયા ભાવુક