લોકપ્રિય ગાયિકા અનુરાધા પૌડવાલ જોડાયા ભાજપમાં; કહ્યું - "અમારા આદર્શો એક જ છે"
લોકસભાની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની ઘોષણા કરી દેવામાં આવેલી છે. સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા માટે મતદાન 19 એપ્રિલના તારીખના રોજ શરું થશે. લોકસભા 2024 ની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને 4 જૂનના રોજ મતગણતરી કરવામાં આવનારી છે. ત્યારે હવે દરેક રાજનૈતિક પાર્ટી પોતાના પક્ષને મજબૂત બનાવવામાં લાગ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હવે વધુ એક લોકપ્રિય વ્યક્તિ અનુરાધા પૌડવાલ જોડાયા છે.
"આજે હું એ પાર્ટીમાં જોડાઈ રહી છું જેનો સનાતન સાથે ગાઢ સંબંધ છે" - અનુરાધા પૌડવાલ
ભારતીય જનતા પાર્ટી અનુરાધા પૌડવાલને લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતારી શકે છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભાજપમાં તેમણે એક અગત્યની જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. અનુરાધા પૌડવાલે ભાજપમાં જોડાયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "હું ખૂબ જ ખુશ છું કે આજે હું એ પાર્ટીમાં જોડાઈ રહી છું જેનો સનાતન સાથે ગાઢ સંબંધ છે. મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગાયા બાદ ભક્તિ ગીતો ગાયા છે. જ્યારે મેં જોયું કે ગંગા આરતી 35 વર્ષથી થઈ રહી છે. રામલલાની સ્થાપના વખતે પણ મને 5 મિનિટ ગાવાનો મોકો મળ્યો. મને લાગે છે કે હું યોગ્ય જગ્યાએ છું અને તે મારું નસીબ છે. તેમણે કહ્યું, અમારા આદર્શો એક જ છે. તેથી જ મને ભાજપમાં જોડાઈને સારું લાગે છે. "
અનુરાધા પૌડવાલે 9,000 થી વધુ ગીતો અને 1,500 થી વધુ ભજનોની રચના કરી
અનુરાધા પૌડવાલની કારકિર્દીની વાત કરીએ તો તેમની ગણના ભારતના સૌથી લોકપ્રિય ગાયિકામાં થાય છે. 27 ઓક્ટોબર, 1954ના રોજ મુંબઈમાં જન્મેલી અનુરાધાએ 1973માં અમિતાભ બચ્ચન અને જયા પ્રદા અભિનીત ફિલ્મ 'અભિમાન'થી તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. અનુરાધા પૌડવાલને ફિલ્મ 'આશિકી', 'દિલ હૈ કી માનતા નહીં' અને 'બેટા' માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. અનુરાધા પૌડવાલે ફિલ્મી દુનિયામાં પોતાની ક્ષમતા સાબિત કરી અને ત્યાર બાદ તેણે ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધી અને ભજન ગાવાનું શરૂ કર્યું.પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં, અનુરાધા પૌડવાલે ગુજરાતી, હિન્દી, કન્નડ, મરાઠી, સંસ્કૃત, બંગાળી, તમિલ, તેલુગુ, ઉડિયા, આસામી, પંજાબી, ભોજપુરી, નેપાળી સહિતની ભાષાઓમાં 9,000 થી વધુ ગીતો અને 1,500 થી વધુ ભજનોની રચના કરી છે.
આ પણ વાંચો : E-NAM : કેન્દ્ર સરકારએ આપ્યું ખેડૂતોને આ મોટું ઈનામ, હવે ખેડૂતોને થશે મબલખ ફાયદો