Premanand Maharaj: 'હું તો તેમનું ગળુ કાપી નાંખુ' કોણે આપી સંત પ્રેમાનંદ મહારાજને મારી નાંખવાની ધમકી?
- વૃદાંવનના સંત પ્રેમાનંદ મહારાજને મળી મારી નાખવાની ધમકી
- સોશિયલ મીડિયા પોસ્ટ પર શખસે આપી ધમકી
- યુવા અંગે પ્રમાનંદ મહારાજે કરેલી ટિપ્પણીથી નારાજ થયો હતો યુવક
- સમગ્ર મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી
પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી મળતા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર, મધ્ય પ્રદેશના સતનાના એક યુવકે ફેસબુક પર સંતને 'ગળું કાપી નાખવા'ની ધમકી આપી છે. આ ધમકી બાદ પ્રેમાનંદ મહારાજના અનુયાયીઓ રોષે ભરાયા છે અને પોલીસને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ ઘટના પાછળનું કારણ પ્રેમાનંદ મહારાજનો એક તાજેતરનો વીડિયો છે. આ વીડિયોમાં તેમણે યુવાનોને અયોગ્ય વર્તનથી બચવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, "આજના યુવાનો ખૂબ જ જલ્દી મોહમાયામાં ફસાઈ જાય છે અને જોશમાં હોશ ગુમાવી બેસે છે." તેમણે વધુમાં કહ્યું કે, "આજકાલ બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, બ્રેકઅપ અને પેચઅપનો ટ્રેન્ડ વધી ગયો છે, જે યુવાનોને ભ્રમિત કરી રહ્યો છે. યુવાનોએ આ બધી બાબતોથી દૂર રહેવું જોઈએ." આ વીડિયો વાયરલ થયા બાદ નારાજ થયેલા એક યુવકે સંતને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
ધમકી આપનાર વ્યક્તિ કોણ છે?
મીડિયા રિપોર્ટ અનુસાર, ધમકી આપનાર વ્યક્તિનું નામ શત્રુઘ્ન સિંહ છે અને તે સતનાનો રહેવાસી છે. તેણે ફેસબુક પર લખ્યું છે કે, "જો મારા ઘરની વાત હોત તો હું ગળું કાપી નાખત." આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયું છે. આ ધમકીથી સંતના અનુયાયીઓમાં ભારે ગુસ્સો છે અને તેઓ શત્રુઘ્ન સિંહની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.
હજુ સુધી કોઈ ફરિયાદ નોંધઈ નથી
જોકે, સતનાના પોલીસ અધિક્ષક આશુતોષ ગુપ્તાએ જણાવ્યું છે કે, "અત્યાર સુધી આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. જો કોઈ ફરિયાદ દાખલ થશે, તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે."
પ્રેમાનંદ મહારાજ કોણ છે?
સંત પ્રેમાનંદ મહારાજ રાધા વલ્લભ સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે અને તેમનું પૂરું નામ પ્રેમાનંદ ગોવિંદ શરણ છે. તેમનો જન્મ 1969માં કાનપુર પાસેના અખરી ગામમાં થયો હતો. 13 વર્ષની ઉંમરે, તેમણે સંન્યાસી બનવા માટે ઘર છોડી દીધું હતું. તેમનો શ્રી હિત રાધા કેલિ કુંજ ટ્રસ્ટ 2016માં વૃંદાવનમાં સ્થાપિત થયો હતો. આ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય સમાજ અને તીર્થયાત્રીઓની સેવા કરવાનો છે, જેમાં આવાસ, ભોજન, કપડાં, તબીબી સેવાઓ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.