Loksabha : સંસદમાં રાજનાથ સિંહના ભાષણ વચ્ચે રાહુલ ગાંધીએ ઊભા થઈને પૂછ્યો સવાલ
- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સદનમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરી
- ઓપરેશન સિંદૂર ફરીથી શરુ કરવામાં આવશે.
- ભારતની લશ્કરી કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ
Operation Sindoor Debate In Loksabha: લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરુ કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સદનમાં જણાવ્યું હતું કે ભારતની લશ્કરી કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ, તેમના હેન્ડલર્સ અને ટ્રેનર્સ માર્યા ગયા હતાં. ઓપરેશન સિંદૂર બંધ થયું નથી, પરંતુ મુલતવી રાખવામાં આવ્યું છે અને જો પાકિસ્તાન ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ગતિવિધિ કરવાની હિંમત કરશે તો ઓપરેશન સિંદૂર ફરીથી શરુ કરવામાં આવશે.
ભાષણની અધવચ્ચે રાહુલ ગાંધી ઉભા થયા
આ ચર્ચા દરમિયાન, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજનાથ સિંહ વચ્ચે ચર્ચા થઈ હતી. રાજનાથે સદનમાં જણાવ્યું હતું કે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા ત્યારે પડોશી દેશે સંપૂર્ણપણે હાર સ્વીકારી લીધી હતી. બાદમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની વિનંતી કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી અચાનક પોતાની ખુરશી પરથી ઊભા થયા હતા અને પૂછ્યું કે તમે ઓપરેશન કેમ બંધ કર્યું? રાહુલના નિવેદન સાથે,વિપક્ષના સાંસદોએ ફરી પાછો સદનમાં હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો -ભારતીય સેનાનું OPERATION MAHADEV, પહલગામ હુમલાના ત્રણ આતંકી ઠાર
રાહુલ ગાંધીને આપ્યો જવાબ
રાજનાથ સિંહે આ હોબાળા વચ્ચે કહ્યું કે મને મારું સંપૂર્ણ નિવેદન આપવા દો, હું દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છું. એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે કોઈના દબાણ હેઠળ આ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. ભારતે તેની લશ્કરી કાર્યવાહી બંધ કરી, કારણ કે તમામ નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત થઈ ગયા હતા. ભારતનો ઉદ્દેશ્ય યુદ્ધ કરવાનો નહોતો, પરંતુ ઓપરેશન સિંદૂર પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે શરુ કરવામાં આવ્યું હતું જે આતંકવાદના ઉપયોગથી તંગદિલી સર્જી રહ્યું છે.
આ પણ વાંચો -PM બતાવે કે કોની સામે સરેન્ડર કર્યું?, ભારત- પાક સીઝફાયર મુદ્દે ગૌરવ ગોગાઈના પ્રહાર
વિપક્ષ યોગ્ય પ્રશ્નો પૂછી રહ્યો નથી
રાજનાથ સિંહે આગળ કહ્યું કે વિપક્ષના લોકો એવા સવાલો કરી રહ્યા છે કે, આપણા કેટલા વિમાનો તોડી પાડવામાં આવ્યા. આ પ્રશ્ન જનતાની લાગણીઓને યોગ્ય રીતે રજૂ કરતો નથી. તેમણે ક્યારેય અમને પૂછ્યું નથી કે આપણા દળો દ્વારા કેટલા દુશ્મનના વિમાનોને તોડી પાડવામાં આવ્યા. જો તેમને પ્રશ્નો પૂછવા હોય, તો તેમણે પૂછવું જોઈએ કે શું ઓપરેશન સિંદૂર સફળ થયું, અને તેનો જવાબ હા છે.
આ પણ વાંચો -supreme court : કૂતરાઓની સમસ્યા એટલી ગંભીર બની કે ખુદ સુપ્રીમ કોર્ટે કેસ હાથમાં લેવો પડ્યો
લક્ષ્યો મોટા હોય ત્યારે નાના મુદ્દાઓને અવગણવા જોઈએ
રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે લક્ષ્યો મોટા હોય છે, ત્યારે નાના મુદ્દાઓની અવગણના કરવી જોઈએ. જે દેશની સુરક્ષા, સૈનિકોના સન્માન અને જુસ્સા પરથી ધ્યાન હટાવી શકે છે. જો વિપક્ષમાં રહેલા મિત્રો ઓપરેશન સિંદૂર પર યોગ્ય પ્રશ્નો પૂછી શકતા નથી, તો હું શું કહી શકું?
વિપક્ષની યોગ્ય જવાબદારી નિભાવો
ચાર દાયકાથી વધુની મારી રાજકીય સફરમાં, મેં ક્યારેય રાજકારણને પ્રતિકૂળ દૃષ્ટિકોણથી જોયું નથી. આજે અમે શાસક પક્ષમાં છીએ, પરંતુ એ જરૂરી નથી કે અમે હંમેશા સત્તામાં રહીશું. જ્યારે જનતાએ અમને વિપક્ષમાં રહેવાની જવાબદારી સોંપી, ત્યારે અમે તેને સકારાત્મક રીતે પૂર્ણ પણ કરી છે.