Sambhal Violence : ઇન્ટરનેટ જ નહીં હવે આ તારીખ સુધી બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ
- સંભલ હિંસાઃ 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
- જામા મસ્જિદ સર્વે વિરુદ્ધ હિંસામાં 4 લોકોના મોત
- સંભલમાં હિંસા બાદ Internet બંધ અને કડક બંદોબસ્ત
- પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરી વાહનોને આગ લગાવી
- 20 પોલીસકર્મી ઘાયલ, ડેપ્યુટી કલેક્ટરના પગમાં ફ્રેક્ચર
- રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં સંભલ હિંસાની ફરિયાદ
- ચંદ્રશેખર આઝાદનો સંભલમાં પ્રવેશનો દાવો
- સંભલ હિંસામાં મૃતકોના નામ જાહેર
Sambhal Violence : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ખાસ કરીને બહારના લોકો, સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ પર લાગુ કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંભલમાં નેટ બંધ રાખવામાં આવ્યું છે અને શાંતિ જાળવવા માટે પોલીસનો કડક ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, ગઈ કાલે સર્વે દરમિયાન એક ચોક્કસ સમુદાયના લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસાકાંડના કારણે 3 લોકોના મોત થયા હતા.
સંભલમાં રવિવારે ભારે હિંસા
ઉત્તર પ્રદેશના સંભલમાં રવિવારે જામા મસ્જિદના સર્વેનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. આ હિંસામાં 4 લોકોના જીવ ગયા હતા, જ્યારે 20 પોલીસકર્મીઓ અને 4 વહીવટી અધિકારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓએ વાહનોને આગ લગાવી, પોલીસ પર પથ્થરમારો કર્યો અને ગોળીબાર કર્યો હતો. જવાબમાં પોલીસે ટીયર ગેસ અને લાઠી ચાર્જનો ઉપયોગ કરીને ભીડને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસ અને વહીવટીતંત્રના કર્મચારીઓ પર હુમલો
મુરાદાબાદના ડિવિઝનલ કમિશ્નર અંજનેય કુમાર સિંહે જણાવ્યું કે, હિંસામાં 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાં એક કોન્સ્ટેબલને માથામાં ગંભીર ઈજા થઈ છે. ડેપ્યુટી કલેક્ટરના પગમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી હતી. હાલ સંભલમાં કડક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઈન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. ડીએમના આદેશ અનુસાર 1 ડિસેમ્બર સુધી શહેરમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે અને 25 નવેમ્બરે ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.
મૃતકોના નામ જાહેર
સંભલ હિંસામાં નઈમ, બિલાલ અંસારી, નૌમાન અને મોહમ્મદ કૈફના મોત થયા છે. આ હિંસામાં પોલીસ ગોળીબારને કારણભૂત ગણાવતી ફરિયાદ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં દાખલ કરવામાં આવી છે, સાથે જ એક ખાનગી સંસ્થાએ આક્ષેપ કરતી આ ઘટનાના વીડિયો પણ મોકલ્યા છે.
ચંદ્રશેખર આઝાદની પ્રતિક્રિયા
ભીમ આર્મી ચીફ અને નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, તેઓ આજે સંભલ જઈને મૃતકોના પરિવારજનોને મળશે. તેમના મતે, સરકાર નિઃશસ્ત્ર આંદોલનકારીઓ પર ગોળીબાર કરીને દમન કરે છે. તેમણે X પર લખ્યું કે SC/ST આંદોલન હોય, ખેડૂતોનું આંદોલન હોય કે CAA વિરોધી આંદોલન, દરેક વખતે નિર્દોષ લોકો પર ગોળીબાર કરવામાં આવે છે. આઝાદે ઘાયલ પોલીસકર્મીઓને મળવાનું પણ જણાવ્યું અને હિંસાનું સત્ય દેશ સમક્ષ લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Sambhal Violence : પોલીસનું એક્શન તેજ, 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ