રાહુલ ગાંધીની બેઠકમાંથી શશી થરુર ત્રીજી વખત ગાયબ, કૉંગ્રેસના ચીફ વ્હિપે કહ્યુ-ખબર નથી
નવી દિલ્હી: કેરળના પાટનગર તિરુવનંતપુરમની લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના સાંસદ શશી થરુર અને કૉંગ્રેસના નેતૃત્વ વચ્ચે અણબનાવની અફવા ચાલી રહી છે. ભાજપની સાથે તેમની વધતી નિકટતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસાના અહેવાલો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં તણાવનો નવો મામલો સામે આવ્યો છે. જો કે થરુરે ખુદ ઘણીવાર આ અફવાઓનું ખંડન કર્યું છે, પરંતુ વધુ એક ઉદાહરણ રાહુલ ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી કૉંગ્રેસના લોકસભા સાંસદોની બેઠકમાં જોવા મળ્યું છે. આ બેઠકમાં થરુર સામેલ થયા નથી. ગત ત્રણ સપ્તાહોમાં આ કૉંગ્રેસની ત્રીજી બેઠક છે કે જેમાં થરુર ગેરહાજર છે.
સાંસદ મનીષ તિવારી પણ હતા ગેરહાજર
રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે કૉંગ્રેસના 99 સાંસદોની બેઠકની અધ્યક્ષતા કરી છે, જેમાં અત્યાર સુધીના તેમના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી અને સંસદના શિયાળુ સત્રની 19 ડિસેમ્બરે સમાપ્તિ પહેલા ભાજપ સામેની પોતાની રણનીતિને વધુ ધારદાર બનાવવા માટેની ચર્ચા થઈ. થરુરનું ગેરહાજર રહેવાનું કારણ શું હતું? આ બેઠકમાં કૉંગ્રેસના ચંદીગઢથી સાંસદ મનીષ તિવારી પણ ગેરહાજર હતા. થરુરે કૉંગ્રેસના સત્રોમાં ભાગ લીધો નથી. કૉંગ્રેસના ચીફ વ્હિપે કહ્યુ છે કે તેમને થરુરના બેઠકમાં નહીં આવવાનું કારણ ખબર નથી, જેના પછી અટકળો વધુ તીવ્ર બની છે.
આના પહેલા 2 બેઠકોમાં પણ થરુર હતા ગાયબ
થરુરે આના પહેલા નવેમ્બરમાં બે બેઠકોમાં ભાગ લીધો ન હતો. પહેલી બેઠક 30 નવેમ્બરે થઈ હતી, જે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી એક વ્યૂહાત્મક બેઠક હતી. ઓગસ્ટ-2020માં થરુર અને અન્ય નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. બાદમાં તેમણે પત્રકારોને કહ્યુ કે તેમણે બેઠકમાં ભાગ લીધો ન હતો. પરંતુ તે સમયે તેઓ કેરળથી ફ્લાઈટમાં ઉડાણ ભરી રહ્યા હતા. તેમના કાર્યાલયે પુષ્ટિ કરી કે તેઓ અને તેમના 90 વર્ષીય માતા પુનર્નિર્ધારિત ઉડાણથી દિલ્હી જઈ રહ્યા હતા, જેના કારણે બેઠખમાં સામેલ થવું તેમના માટે શક્ય ન હતું. આ બેઠખમાં કૉંગ્રેસના એક અન્ય વરિષ્ઠ નેતા, કે.સી.વેણુગોપાલ પણ ગેરહાજર હતા.
બીજી બેઠક 18 નવેમ્બરે યોજાઈ હતી અને તેમાં પાર્ટી દ્વારા વિવાદાસ્પદ SIR-મતદાતા પુનર્સત્યાપનના વિરોધની ચર્ચા થઈ હતી.આ બેઠખની અધ્યક્ષતા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કરી હતી. થરુરે પોતાની ગેરહાજરીનું કારણ ખરાબ સ્વાસ્થ્ય ગણાવ્યું. એક દિવસ પહેલા તેઓ એક વ્યક્તિગત કાર્યક્રમમાં સામેલ થયા હતા, જેમાં વડાપ્રધાને ભાષણ આપ્યું હતું. જેમાં કેરળના સાંસદ દ્વારા ભાષણની પ્રશંસા કરતા એક ટ્વિટ બાદ વિવાદ પેદા થઈ ગયો હતો.
આ પણ વાંચો: 'ખડગેને હટાવી, પ્રિયંકાને બનાવો પ્રમુખ': સોનિયા ગાંધીને કૉંગ્રેસ નેતાનો પત્ર