Shubhanshu Shukla આજે બપોરે 3 કલાકે કેલિફોર્નિયાના દરિયાકાંઠે 3 અવકાશયાત્રીઓ સાથે લેન્ડ કરશે
- આજે બપોરે 3 કલાકે કેલિફોર્નિયાના દરિયાકાંઠે ડ્રેગન અવકાશયાન લેન્ડ થશે
- શુભાંશુ શુક્લા સહિત અન્ય 3 અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફરશે
- ડ્રેગન અવકાશયાન સ્પલેશડાઉન થશે ત્યારે 1 કલાકની માર્જિન વિન્ડો મળશે
Shubhanshu Shukla : ભારતના શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 (Axiom-4) ના 3 અન્ય અવકાશયાત્રીઓએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસના રોકાણ પછી પૃથ્વી પર પાછા ફરવાની યાત્રા શરૂ કરી દીધી છે. ડ્રેગન ગ્રેસ અવકાશયાન (Dragon Grace Spacecraft) પૃથ્વી પર 22 કલાકની મુસાફરી માટે ભ્રમણકક્ષા પ્રયોગશાળાથી અલગ થઈ ગયું છે. સ્પ્લેશડાઉન મંગળવારે ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે કેલિફોર્નિયાના કિનારે થવાની સંભાવના જોવાઈ રહી છે.
પેરાશૂટની મદદથી સ્પલેશડાઉન થશે
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પરથી છુટા પડ્યા બાદ લગભગ 22-23 કલાકની મુસાફરી બાદ ડ્રેગન અવકાશયાન 15 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે અમેરિકાના કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરશે એટલે કે સ્પલેશડાઉન થશે. ડ્રેગન અવકાશયાન પેરાશૂટની મદદથી પાણીમાં ધીમે ધીમે ઉતરશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, આ સમયમાં લગભગ 1 કલાકની માર્જિન વિન્ડો છે. મિશનની અવકાશ યાત્રા 25 જૂનના રોજ શરૂ થઈ હતી. જ્યારે ડ્રેગન સ્પેસ કેપ્સ્યુલને લઈને ફાલ્કન-9 રોકેટ ફ્લોરિડાથી ISS તરફ ઉડાન ભરી હતી. આ મિશન 4 દાયકાથી વધુ સમય પછી ભારત, પોલેન્ડ અને હંગેરી માટે અવકાશમાં પરત ફરવાનું સપનું સાકાર કરે છે. શુક્લા વિંગ કમાન્ડર રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા બીજા ભારતીય અવકાશયાત્રી છે. જેમણે 1984 માં સોવિયેત સ્પેસ સ્ટેશન સેલ્યુટ-7 પર અવકાશમાં 7 દિવસથી થોડો વધુ સમય વિતાવ્યો હતો.
આ પણ વાંચોઃ વિશ્વમાં રેતી અને ધૂળ ભરેલી આંધીનો વધતો ખતરો, 150 દેશના 33 કરોડ લોકો સીધી રીતે પ્રભાવિત
શુભાંશુ શુક્લાનો સંદેશ
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસનું મિશન સોમવારે સમાપ્ત થશે. એક્સિઓમ-4 મિશનની આ ટીમ મંગળવારે કેલિફોર્નિયાના કિનારે ઉતરવાની અપેક્ષા છે. આ મિશન 25 જૂને લોન્ચ કરવામાં આવ્યું હતું અને 26 જૂને ISS પહોંચ્યું હતું. વિદાય સમારંભમાં ભારત માટે સંદેશ આપતા શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) એ કહ્યું કે 41 વર્ષ પહેલાં એક ભારતીય અવકાશમાં ગયો હતો અને તેમણે આપણને કહ્યું હતું કે, ભારત અવકાશમાંથી કેવું દેખાય છે અને હું તમને ફરીથી કહી શકું છું કે આજનું ભારત હજુ પણ આખી દુનિયા કરતાં વધુ સારું દેખાય છે.
7 દિવસનો રીહેબિલિટેશન પ્રોગ્રામ
ઈસરો અનુસાર સ્પ્લેશડાઉન બાદ શુભાંશુ શુક્લાને લગભગ 7 દિવસના Rehabilitation program માંથી પસાર થવું પડશે. અવકાશની સફર ખેડીને આવ્યા બાદ દરેક અવકાશયાત્રીને આ રીહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થવું પડે છે. આ પ્રોગ્રામ અવકાશયાત્રીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુકૂલન કરવા માટે આવશ્યક હોય છે. અવકાશની સફર ખેડીને આવેલા અવકાશયાત્રીઓને ફ્લાઈટ સર્જનની દેખરેખ હેઠળ પૃથ્વીના વાતાવરણ, ગુરુત્વાકર્ષણ અને ભૂચુંબકીયતા માટે તૈયાર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ અમેરિકાના કેન્ટુકીમાં ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગ! 2 મહિલાના મોત, હુમલાખોર પણ ઠાર