લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવને SC નો ઝટકો! ટ્રાયલ પર સ્ટે આપવાની અરજી ફગાવી
- લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવને મોટો ઝટકો
- સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પર સ્ટે આપવાની અરજી ફગાવી
- નીચલી કોર્ટમાં ચાલતી ટ્રાયલ રોકીને રાહત માગી હતી
- દિલ્હી હાઈકોર્ટે અગાઉ આ માગણીને ફગાવી હતી
- 12 ઓગસ્ટે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે
- પદનો દુરુપયોગ કરીને નોકરી આપવાનો હતો કેસ
Land for Job Scam : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને જમીન-બદલે-નોકરી કૌભાંડ કેસ (Land for Job scam case) માં સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. આજે શુક્રવાર, 18 જુલાઈ 2025ના રોજ, જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે લાલુની નીચલી કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી. જોકે, રાહતની વાત એ છે કે કોર્ટે લાલુને ટ્રાયલ કોર્ટ (Trial Court) માં વ્યક્તિગત હાજરીથી મુક્તિ આપી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) ને આ કેસની સુનાવણી ઝડપથી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 12 ઓગસ્ટ 2025ના રોજ નિયત કરવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય અને CBI ની નોટિસ
આ પહેલાં, 29 મે 2025ના રોજ, દિલ્હી હાઈકોર્ટે લાલુ યાદવ (Lalu Yadav) ની ટ્રાયલ રોકવાની અરજીને નકારી કાઢી હતી, જેમાં જસ્ટિસ રવિન્દર દુદેજાએ જણાવ્યું હતું કે ટ્રાયલ પર સ્ટે મુકવા માટે કોઈ નક્કર કારણ નથી. હાઈકોર્ટે લાલુની CBI દ્વારા નોંધાયેલી FIR રદ કરવાની માગણી પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને નોટિસ જારી કરી હતી, પરંતુ ટ્રાયલને રોકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, લાલુ ટ્રાયલ કોર્ટમાં આરોપોની ચર્ચાના તબક્કે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે, જે તેમના માટે એક વધારાની તક હશે.
કેસની પૃષ્ઠભૂમિ
આ કેસ લાલુ પ્રસાદ યાદવના 2004થી 2009 સુધીના રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ સાથે જોડાયેલો છે. આરોપ છે કે આ સમયગાળા દરમિયાન, મધ્યપ્રદેશના જબલપુર સ્થિત ભારતીય રેલ્વેના પશ્ચિમ-મધ્ય ઝોનમાં Group D ની નિમણૂકોમાં ગેરરીતિ થઈ હતી. CBI ના જણાવ્યા અનુસાર, આ નોકરીઓના બદલામાં ઉમેદવારો અથવા તેમના પરિવારજનોએ લાલુના પરિવારના સભ્યો અથવા સહયોગીઓના નામે જમીન ટ્રાન્સફર કરી હતી. આ નિમણૂકો ભારતીય રેલ્વેના નિયમો અને માર્ગદર્શિકાને અનુસર્યા વિના કરવામાં આવી હતી, અને તેના માટે કોઈ જાહેર જાહેરાત કે નોટિસ પણ જારી કરવામાં આવી ન હતી.
લાલુ યાદવની દલીલો
લાલુ યાદવે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે CBI દ્વારા 18 મે 2022ના રોજ નોંધાયેલી FIR, 2022, 2023 અને 2024માં દાખલ કરાયેલી 3 ચાર્જશીટ અને તેના પરના કોગ્નિઝન્સ ઓર્ડર રદ કરવા જોઈએ. તેમણે જણાવ્યું કે 2009થી 2014 દરમિયાન CBI ની પ્રારંભિક તપાસ બંધ થઈ ગઈ હતી અને ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, 14 વર્ષના વિલંબ બાદ 2022માં નવેસરથી FIR નોંધવામાં આવી, જે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે. લાલુએ એમ પણ દાવો કર્યો કે તપાસ શરૂ કરવા માટે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ જરૂરી મંજૂરી લેવામાં આવી ન હતી, જેના કારણે તપાસ ગેરકાયદેસર અને "રાજકીય બદલાની ભાવના"થી પ્રેરિત છે.
CBI ની કાર્યવાહી
CBI એ આ કેસમાં 7 જૂન 2025ના રોજ લાલુ યાદવ (Lalu Yadav), તેમના પરિવારના સભ્યો અને 77 અન્ય વ્યક્તિઓ, જેમાં 38 નોકરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે, સામે વિગતવાર ચાર્જશીટ દાખલ કરી હતી. એજન્સીએ દિલ્હી અને બિહારમાં બહુવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે, અને રાષ્ટ્રપતિએ 9 મે 2025ના રોજ લાલુ સામે મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહીની મંજૂરી આપી હતી.