સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા પર આજે થશે સુનાવણી
- સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર આજે સુનાવણી
- કેન્દ્ર સરકારે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે
- અગાઉ સુપ્રીમ કોર્ટે બે મુખ્ય પાસાઓ પર રોક લગાવી હતી
- કેન્દ્રએ 17 એપ્રિલે સુપ્રીમ કોર્ટને આપી હતી ખાતરી
- 'વક્ફ બાય યુઝર' સહિત મિલકતોને ડિનોટિફાઇ નહીં કરે
Supreme Court to hear Waqf Amendment Act today : સુપ્રીમ કોર્ટ 5 મે, 2025ના રોજ વકફ (સુધારા) અધિનિયમ, 2025ની બંધારણીય માન્યતાને પડકારતી 5 અરજીઓ પર સુનાવણી કરવા જઈ રહી છે. આ અરજીઓની પ્રારંભિક સુનાવણી 17 એપ્રિલે થઈ હતી, જ્યારે કોર્ટે વકફ મિલકતો (Waqf properties) ના ડિનોટિફિકેશન અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલ (Central Waqf Council) સહિત બોર્ડમાં નવી નિમણૂકો પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અરજીઓ પર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો હતો અને અરજદારોને સરકારના જવાબનો પ્રતિસાદ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. આ કેસ વક્ફ મિલકતો (Waqf properties) ના સંચાલન અને નિયમનના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે, જે ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે.
સોગંદનામામાં શું ખાસ હતું?
May 5, 2025 10:25 am
મુસ્લિમ સમુદાય વકફ સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યો છે. પોલીસ અને વહીવટીતંત્ર પણ સુનાવણીને લઈને સતર્ક હોય તેવું લાગે છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે 17 એપ્રિલે આ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા અને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો હતો. આ ઉપરાંત, કેસની આગામી સુનાવણી સુધી વક્ફ બોર્ડમાં નવી નિમણૂકો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી, કેન્દ્ર સરકારે 25 એપ્રિલે એક સોગંદનામું દાખલ કર્યું જેમાં કહેવામાં આવ્યું કે આ કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે. સંસદે કાયદો પસાર કર્યો છે, જેને રોકવો જોઈએ નહીં. આ ઉપરાંત, સરકારે દાવો કર્યો હતો કે 2013 થી, વકફ મિલકતોમાં 20 લાખ એકરથી વધુનો વધારો થયો છે. સરકારી અને ખાનગી જમીન અંગે ઘણી વખત વિવાદો ઉભા થયા છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) દ્વારા આ સરકારી આંકડાઓને ખોટા ગણાવવામાં આવ્યા હતા. બોર્ડે કહ્યું હતું કે કોર્ટમાં ખોટું સોગંદનામું આપનાર અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ.
કેસનું મહત્વ અને ભાવિ
May 5, 2025 8:45 am
આ કેસ વકફ મિલકતોના નિયમન, ધાર્મિક સ્વતંત્રતા અને સરકારી નીતિઓના સંતુલનના મુદ્દે મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટનો આગામી નિર્ણય વકફ મિલકતોના સંચાલન અને સુધારા કાયદાના ભાવિને આકાર આપી શકે છે. સરકાર અને અરજદારોની દલીલો વચ્ચેનો આ વિવાદ ધાર્મિક અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં ગહન ચર્ચાને જન્મ આપી રહ્યો છે, જેની અસર દેશના વકફ બોર્ડના કાર્યો અને મુસ્લિમ સમુદાયના હિતો પર પડી શકે છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો પ્રતિસાદ
May 5, 2025 8:45 am
કેન્દ્ર સરકારના સોગંદનામાના જવાબમાં, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે. આ પ્રતિ-સોગંદનામામાં સરકારના ડેટા અને દાવાઓ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. બોર્ડે દલીલ કરી છે કે, સરકાર સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે અને વકફ મિલકતોમાં 116 ટકાના વધારાનો દાવો ખોટો છે. બોર્ડે સરકારના આ સોગંદનામું રજૂ કરનાર અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી છે. વધુમાં, બોર્ડે 2013 પછી કેન્દ્રીય પોર્ટલ પર નોંધાયેલ વકફ મિલકતોમાં મોટો વધારો થયો હોવાના સરકારના દાવાને પણ નકાર્યો છે. આ પ્રતિ-સોગંદનામું વકફ સુધારા કાયદાની બંધારણીયતા અને તેની અમલવારી પર નવા વિવાદો ઉભા કરે છે.
કેન્દ્ર સરકારનું સોગંદનામું
May 5, 2025 8:45 am
કેન્દ્ર સરકારે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં 1332 પાનાનું વિગતવાર સોગંદનામું રજૂ કર્યું છે. આ સોગંદનામામાં ‘વકફ બાય યુઝર’ની વ્યાખ્યાને યોગ્ય ગણાવી છે અને જણાવ્યું છે કે 1923થી વકફ મિલકતોની નોંધણી ફરજિયાત છે, જેમાં ‘વકફ બાય યુઝર’નો પણ સમાવેશ થાય છે. સરકારે દલીલ કરી છે કે વકફ (સુધારા) અધિનિયમ, 2025 શ્રદ્ધા અને પૂજાની બાબતોને અસ્પૃશ્ય રાખે છે અને મુસ્લિમ ધાર્મિક પ્રથાઓનું સંપૂર્ણ સન્માન કરે છે. સોગંદનામામાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે 2013ના સુધારા પછી વકફ જમીનમાં 20 લાખ એકરનો વધારો થયો છે, જે 116 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, સરકારે આક્ષેપ કર્યો છે કે વકફ જોગવાઈઓનો દુરુપયોગ કરીને ખાનગી અને સરકારી મિલકતો પર કબજો કરવામાં આવ્યો છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આ અરજીઓને ફગાવી દેવાની વિનંતી કરી છે, તેને “આઘાતજનક” ગણાવીને વકફ મિલકતોના વિસ્તારમાં થયેલા વધારાને હાઈલાઈટ કર્યું છે.