મહારાષ્ટ્રમાં શરૂ થયેલો હિન્દી-મરાઠી વિવાદ હવે સંસદ સુધી પહોંચ્યો
- મહારાષ્ટ્રમાં શરૂ થયેલા હિન્દી-મરાઠી તણાવે લીધું ઉગ્ર સ્વરૂપ
- ભાષા વિવાદ દિલ્હીની સંસદ સુધી પહોંચ્યો
- હિન્દી-મરાઠી વિવાદે રાજકારણ ગરમાવ્યું
- દિલ્હીમાં મરાઠી સાંસદોનો હોબાળો
- સંસદમાં નિશિકાંત દુબેને ઘેરવામાં આવ્યા
- દુબેના નિવેદનથી ભડક્યા મરાઠી નેતાઓ
Hindi-Marathi language dispute : મહારાષ્ટ્રમાં ચાલી રહેલો હિન્દી અને મરાઠી ભાષા વચ્ચેનો વિવાદ હવે મુંબઈની શેરીઓથી નીકળીને દિલ્હીની સંસદ સુધી પહોંચ્યો છે. આ વિવાદે રાજકીય ગરમાવો લાવ્યો છે, જેમાં મરાઠી સાંસદોએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે (BJP MP Nishikant Dubey) ને સંસદ ભવનની લોબીમાં ઘેરી લઈને તેમના વિવાદાસ્પદ નિવેદન (controversial statement) પર સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટનામાં દુબે, ડરી ગયેલા સ્વરમાં 'જય મહારાષ્ટ્ર'નો નારો લગાવીને ત્યાંથી નીકળી ગયા હતા. કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે આ ઘટનાને જણાવી, જે રાજકીય અને સામાજિક ચર્ચાનો વિષય બની છે.
સંસદમાં ઘેરાયેલા નિશિકાંત દુબે
ઘટના બપોરે 12:30થી 1:00 વાગ્યાની આસપાસની છે, જ્યારે મહારાષ્ટ્રના મરાઠી સાંસદો સંસદ ભવનની લોબીમાં નિશિકાંત દુબે (Nishikant Dubey) ની શોધમાં હતા. આ દરમિયાન, કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે ભાજપના અન્ય સાંસદ મનોજ તિવારીને પૂછ્યું કે દુબે ક્યાં છે? આ વચ્ચે દુબે પોતે જ મરાઠી સાંસદો પાસે ચાલીને આવ્યા. ત્યારે વર્ષા ગાયકવાડ, પ્રતિભા ધાનોરકર, શોભા બચ્છાવ સહિતના મહિલા સાંસદોએ દુબેને આક્રમક રીતે સવાલ કર્યો: "તમે મહારાષ્ટ્ર વિરુદ્ધ આવું વાંધાજનક નિવેદન કેમ આપ્યું? કહો, તમે કોને મારશો?" દુબે આ આક્રમક વલણથી ચોંકી ગયા અને ડરેલા સ્વરમાં બોલ્યા, "ના, ના, એવું નથી... જય મહારાષ્ટ્ર!" આટલું કહીને તેઓ ઝડપથી ત્યાંથી નીકળી ગયા. આ ઘટના કેન્ટીન પાસે બની, જેના કારણે અન્ય સાંસદો પણ ત્યાં ભેગા થઈ ગયા અને 'જય મહારાષ્ટ્ર'ના નારા ગુંજી ઉઠ્યા.
વિવાદનું મૂળ: નિશિકાંત દુબેનું નિવેદન
આ ઘટનાનું મૂળ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હિન્દી-મરાઠી ભાષા વિવાદમાં રહેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં મરાઠી ન બોલનારા હિન્દી ભાષીઓ પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો દ્વારા હુમલાના અનેક વીડિયો સામે આવ્યા છે. આ વિવાદને લઈને નિશિકાંત દુબેએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું: "તમે લોકો અમારા પૈસા પર જીવો છો. મહારાષ્ટ્રમાં તમારા કેવા ઉદ્યોગો છે? જો તમે હિન્દી ભાષીઓને મારો છો, તો ઉર્દૂ, તમિલ, તેલુગુ બોલનારાઓને પણ મારો. જો તમે આટલા મોટા 'બોસ' છો, તો મહારાષ્ટ્ર છોડીને બિહાર, યુપી, તમિલનાડુ આવો, અમે તમને 'પટકી પટકીને મારીશું'." દુબેએ આગળ કહ્યું હતું કે, "અમે મરાઠી લોકો અને મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરીએ છીએ, પરંતુ BMC ચૂંટણીઓને લઈને રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સસ્તી રાજનીતિ કરી રહ્યા છે. જો હિંમત હોય તો માહિમ દરગાહની સામે હિન્દી કે ઉર્દૂ ભાષીઓને મારો." આ નિવેદનથી મરાઠી સાંસદો ભડકી ઉઠ્યા અને તેમણે સંસદમાં દુબેને ઘેરવાનો નિર્ણય લીધો.
મહારાષ્ટ્રમાં ભાષાકીય તણાવ
મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ પ્રાથમિક શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયનો મરાઠી ભાષા પ્રેમીઓ, રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ તીવ્ર વિરોધ કર્યો, જેને તેઓ 'હિન્દી ભાષાને થોપવું' ગણાવે છે. આ વિરોધને કારણે સરકારે આ નિતિ પાછી ખેંચી લીધી, પરંતુ તે પછી પણ ભાષાકીય તણાવ યથાવત છે. MNSના કાર્યકરો દ્વારા હિન્દી ભાષીઓ પર હુમલાની ઘટનાઓએ આ વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો છે. આ ઘટનાઓએ મહારાષ્ટ્રના સામાજિક અને રાજકીય વાતાવરણમાં વિભાજન વધાર્યું છે, જે આગામી BMC ચૂંટણીઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં આપ્યો જવાબ