સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં TMCના નેતા અભિષેક બેનર્જી સામેલ, CM મમતા બેનર્જીએ લીધો નિર્ણય
- TMC ના અભિષેક બેનર્જી પ્રતિનિધિમંડળમાં જશે
- યુસુફ પઠાણનું સ્થાને હવે અભિષેક બેનર્જી
- CM મમતા બેનર્જીએ લીધો નિર્ણય
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અધ્યક્ષ મમતા બેનર્જીએ ઓપરેશન સિંદૂરનું સત્ય વૈશ્વિક સ્તરે રજૂ કરવા અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે રચાયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં TMCના નેતા અભિષેક બેનર્જીને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિનિધિમંડળમાં અભિષેક બેનર્જી યુસુફ પઠાણનું સ્થાન લેશે. આ નિર્ણય પાછળ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની મમતા બેનર્જી સાથેની ચર્ચાની મહત્વની ભૂમિકા રહી હોવાનું જાણવા મળ્યું છે.
રિજિજુની અપીલ અને મમતાનો નિર્ણય
TMCના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ મમતા બેનર્જી સાથે ફોન પર વાતચીત કરી અને TMCના પ્રતિનિધિની પસંદગી અંગે તેમનું સૂચન માંગ્યું હતું. રિજિજુએ મમતાને પાર્ટી સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાની સલાહ આપી હતી. આ ચર્ચા બાદ મમતા બેનર્જીએ અભિષેક બેનર્જીના નામની ભલામણ કરી. આ પહેલાં મમતાએ આ પ્રતિનિધિમંડળથી દૂર રહેવાની નીતિ અપનાવી હતી અને યુસુફ પઠાણને પણ આ મિશનમાંથી બાકાત રાખ્યા હોવાના અહેવાલ હતા. જોકે, રિજિજુની વિનંતી અને ઔપચારિક અપીલ બાદ TMCએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના વલણને સમર્થન આપવા પોતાના પ્રતિનિધિ મોકલવાનું નક્કી કર્યું.
Under the guidance of AITC Chairperson @MamataOfficial, a 5-member delegation will be proceeding to Srinagar, Poonch, and Rajouri
The delegation comprising @derekobrienmp @MdNadimulHaque6 @ManasB_Official @sagarikaghose and Mamata Thakur, will be in the region from May 21 to 23…
— All India Trinamool Congress (@AITCofficial) May 20, 2025
TMCનું શ્રીનગર પ્રતિનિધિમંડળ
મમતા બેનર્જીના માર્ગદર્શન હેઠળ, 5 સભ્યોનું પ્રતિનિધિમંડળ શ્રીનગર, પૂંછ અને રાજૌરીની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં ડેરેક ઓ'બ્રાયન, નદીમુલ હક, માનસ રંજન ભુનિયા, સાગરિકા ઘોષ અને મમતા ઠાકુર સામેલ હશે. આ ટીમ 21થી 23 મે, 2025 દરમિયાન આ પ્રદેશોમાં સરહદ પારના હુમલાઓથી પીડિત લોકો સાથે એકતા દર્શાવશે અને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારોના દુઃખમાં સહભાગી થશે.
TMCનું વલણ અને અભિષેક બેનર્જીનું નિવેદન
મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે TMC પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતના વલણને સમર્થન આપે છે અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્રતિનિધિમંડળમાં પક્ષોના પ્રતિનિધિઓની પસંદગી એકતરફી રીતે ન કરવી જોઈએ, પરંતુ તમામ રાજકીય પક્ષો, ખાસ કરીને વિપક્ષો સાથે પરામર્શ કરવો જોઈએ.
અભિષેક બેનર્જીએ શું કહ્યું?
TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારજનો અથવા ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનારા સશસ્ત્ર દળોના અધિકારીઓને વિદેશ મોકલવા જોઈએ, જેથી આતંકવાદ સામે દેશની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો સંદેશ વૈશ્વિક સ્તરે પહોંચે. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું કે TMC રાષ્ટ્રીય હિત, સરહદ પારના આતંકવાદ સામેની લડાઈ અને દેશની સાર્વભૌમત્વના રક્ષણના મુદ્દે સરકારની સાથે છે.
આ પણ વાંચો : ડેલિગેશનમાં સામેલ થવા પર જયરામ રમેશે શશિ થરૂર સહિતના નેતાઓને આપ્યો સંદેશ, જાણો શું કહ્યું