ભારતીય રેલવે મુસાફરો માટે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા નિયમ હેઠળ હવે ચાલતી ટ્રેનમાં પણ ખાલી સીટ માટે કન્ફર્મ ટિકિટ બુક કરી શકાશે. IRCTC અને રેલવેના નવા ટેકનિકલ અપગ્રેડથી વેઈટિંગ ટિકિટની સમસ્યા ઓછી થશે.
ભારતીય રેલવેના નવા નિયમથી વેઈટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોને મળશે મોટી રાહત
ભારતીય રેલવે સતત મુસાફરોની સુવિધા વધારવા માટે નવી ટેકનોલોજી અપનાવી રહ્યું છે. હવે ટ્રેનમાં ખાલી રહેતી સીટોને વધુ ઝડપથી મુસાફરો સુધી પહોંચાડવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ટ્રેન ઉપડ્યા બાદ ખાલી રહેલી બર્થની માહિતી માત્ર TTE પાસે જ રહેતી હતી. પરંતુ નવા સિસ્ટમમાં આ ખાલી સીટો ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ દેખાશે, જેથી મુસાફરો તેને સરળતાથી બુક કરી શકશે.
HHT સિસ્ટમ અપગ્રેડ બાદ ઓનલાઈન દેખાશે ખાલી સીટ
રેલવે દ્વારા TTEના હેન્ડ હેલ્ડ ટર્મિનલ (HHT)ને વધુ આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. સોફ્ટવેર અપગ્રેડ થયા બાદ TTE પાસે ખાલી બર્થને તરત જ અપડેટ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. જ્યારે કોઈ મુસાફર કન્ફર્મ ટિકિટ હોવા છતાં ટ્રેનમાં નહીં આવે, ત્યારે TTE ચેકિંગ દરમિયાન તે સીટને ખાલી દર્શાવશે. ત્યારબાદ આ માહિતી IRCTC અને રેલવેના બુકિંગ પોર્ટલ પર લાઈવ જોવા મળશે.
હવે રસ્તામાંથી પણ કરી શકાશે કન્ફર્મ ટિકિટ બુક
નવા નિયમનો સૌથી મોટો ફાયદો એવા મુસાફરોને મળશે જેમની ટિકિટ વેઈટિંગ અથવા RACમાં હોય છે. જો મુસાફર કોઈ સ્ટેશન પરથી ટ્રેનમાં મુસાફરી શરૂ કરવા માંગે છે અને ખાલી સીટ ઉપલબ્ધ હશે તો તે તરત બુક કરી શકશે. ઉદાહરણ તરીકે, કોઈ ટ્રેનમાં મુસાફર હાજર ન રહેતા તેની બર્થ ખાલી થાય તો TTE તેને સિસ્ટમમાં અપડેટ કરશે. ત્યારબાદ અન્ય મુસાફર તે સીટને ઓનલાઈન મેળવી શકશે.
RAC સિસ્ટમમાં પણ આવશે મોટો બદલાવ
રેલવેનો હેતુ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો છે. નવા ડિજિટલ મોડલથી RAC અને વેઈટિંગ ટિકિટ જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદ મળશે. રેલવેના ટેક્નિકલ વિભાગ દ્વારા HHT સોફ્ટવેરમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે. TTE અને અધિકારીઓને આ સિસ્ટમના ઉપયોગ માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે.
મુસાફરો માટે વધુ ઝડપી અને પારદર્શક બનશે રેલવે સેવા
આ નવી વ્યવસ્થા લાગુ થયા બાદ મુસાફરોને ખાલી બર્થ માટે TTE પર સંપૂર્ણ આધાર રાખવો નહીં પડે. રિયલ ટાઈમ માહિતી મળવાથી ટિકિટ બુકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે. રેલવેનો પ્રયાસ છે કે મુસાફરોને અંતિમ સમયે પણ મુસાફરી માટે યોગ્ય સીટ મળી શકે અને ખાલી રહેતી બર્થનો વધુ સારો ઉપયોગ થઈ શકે.
આ પણ વાંચો : Ayodhya માં દાન મુદ્દે રાજકીય ઘમાસાણ, SIT બાદ હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો