તમિલનાડુમાં વિજયની રેલીમાં ભાગદોડ થતા 36નાં મોત, અભિનેતાએ કહ્યું 'હૃદય તૂટી ગયું'
- કરૂર દુર્ઘટના અંગે TVK ચીફ વિજયની પ્રતિક્રિયા (Vijay TVK Rally Stampede)
- ભાગદોડ અંગે વિજયે કહ્યું મારૂં દિલ તૂટી ગયું છે
- અસહનીય અવર્ણનીય દર્દ અને શોકમાં તડપું છુંઃ વિજય
- દુ:ખને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતુંઃ વિજય
Vijay TVK Rally Stampede : તમિલનાડુના કરુર જિલ્લામાં શનિવાર, 27 સપ્ટેમ્બરના રોજ, અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયની પાર્ટી 'તમિલગા વેત્ત્રી કઝગમ (TVK)'ની વિશાળ જનસભા એક ગમખ્વાર દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. અચાનક મચેલી અફરાતફરી જેવી સ્થિતિમાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નિપજ્યા છે, અને લગભગ 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 16 મહિલાઓ, 9 પુરુષો અને 6 બાળકોનો સમાવેશ થાય છે. આ ભયાનક દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
થલપતિ વિજયનું પ્રથમ ભાવુક નિવેદન (Vijay TVK Rally Stampede)
દુર્ઘટના બાદ TVKના વડા થલપતિ વિજયએ પ્રથમ વખત આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.વિજયે સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરતાં લખ્યું: "મારું હૃદય તૂટી ગયું છે; હું અસહ્ય, અવર્ણનીય પીડા અને શોકમાં છું, જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. કરુરમાં મારા પ્રિય ભાઈઓ અને બહેનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું."
વિજયના આ નિવેદન પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાહુલ ગાંધી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી સ્ટાલિન દ્વારા વળતરની જાહેરાત
તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનએ પીડિત પરિવારો માટે તાત્કાલિક વળતરની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનોને રુ.10 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, સરકારે ઘાયલોની સારવાર માટે પણ વિશેષ વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.
અકસ્માતનું કારણ અને વ્યવસ્થાપનની નિષ્ફળતા
- પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ વિજયને નજીકથી જોવા અને સાંભળવા માટે મંચ તરફ ધસવા લાગી.
- અહેવાલો મુજબ, વહીવટીતંત્રે રેલી માટે માત્ર 30,000 લોકોની જ પરવાનગી આપી હતી, પરંતુ સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર, સભા સ્થળે લગભગ 60,000 લોકો પહોંચ્યા હતા.
- એક કારણ એ પણ હતું કે થલપતિ વિજય તેમની રેલીમાં 6 કલાક મોડા પહોંચ્યા હતા.
- ભારે ભીડ અને ગરમી-ઉમસને કારણે કેટલાક લોકો બેહોશ થવા લાગ્યા.
- અચાનક આવેલા આ ભીડના દબાણને કારણે મંચ સામેના બેરિકેડ્સ તૂટી ગયા અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી.
- ઘણા લોકો ગૂંગળામણ અને કચડાઈ જવાથી બેહોશ થઈ ગયા. બાળકો તેમના પરિવારોથી વિખૂટા પડી ગયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
- રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી મા. સુબ્રમણિયનએ જણાવ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. ઘાયલોને કરુર જિલ્લા હોસ્પિટલ ઉપરાંત ઈરોડ અને તિરુચિરાપલ્લી મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
કરુરની આ દુર્ઘટના માત્ર એક રેલી અકસ્માત નથી, પરંતુ ભીડ વ્યવસ્થાપન (Crowd Management)ની એક મોટી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો : 17 વિદ્યાર્થિનીઓના શોષણના આરોપસર બાબા ચૈતન્યાનંદની ધરપકડ, ₹8 કરોડની સંપત્તિ જપ્ત