UP Weather Alert : ઉત્તર પ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઓગસ્ટ મહિનામાં વરસાદના જૂના રેકોર્ડ તૂટી રહ્યા છે, જેના કારણે પ્રશાસન પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
પ્રયાગરાજ અને બાંદામાં જળબંબાકાર
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને બાંદા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર વર્ષ 1901 પછી ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે જનજીવનને પણ અસર થઈ છે. ભારે વરસાદ ખાબક્તા નદી અને નાળા બેકાબૂ બન્યા છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે અને પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
રાહત અને બચાવ કામગીરી હાથ ધરી
પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે ઉત્તર પ્રદેશ સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલુ છે અને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
21 જિલ્લામાં એલર્ટ
સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ચોમાસાની ગતિવિધિ જોવા મળી હતી. દક્ષિણ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. પ્રતાપગઢમાં 147 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સોનભદ્રમાં 140 મીમી વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે બુધવારે બાંદા, ચિત્રકૂટ, કૌશાંબી, પ્રયાગરાજ, ફતેહપુર, સોનભદ્ર, મિર્ઝાપુર, કાનપુર દેહાત, કાનપુર નગર અને રાયબરેલી સહિત 21 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતા છે.
લખનૌમાં બે કલાકના વરસાદથી પાણી ભરાયા
સપ્ટેમ્બરના પહેલા દિવસે રાજધાની લખનૌમાં વરસાદે રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો. સવારના ધોધમાર વરસાદ પછી, સાંજે લગભગ બે કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહ્યો. જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને માર્ગ ટ્રાફિક ખોરવાઈ ગયો.
લખનૌના ચિન્હટ વિસ્તારમાં 59 મીમી, 1090 ઈન્ટરસેક્શન પર 54 મીમી અને રાજભવન વિસ્તારમાં 45.5 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદ પછી તાપમાનમાં ઘટાડો થવાથી ભેજ અને ગરમીથી રાહત મળી.
આ પણ વાંચો : Stock Market Crash: ટ્રમ્પના દાવાથી વૈશ્વિક શેર બજારમાં કડાકો,સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટ્યો