ચોમાસું બન્યું આફત: ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યુ, કેદારનાથ યાત્રા સ્થગિત; હિમાચલમાં 449 રસ્તા બંધ
- ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા મોટી તારાજી
- PM મોદીએ ઉત્તરાખંડના CM ધામી સાથે કરી વાત
- આપત્તિ અને રાહત બચાવ કામગીરીની મેળવી જાણકારી
- કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની આપી ખાતરી
- સંબંધિત એજન્સીઓ સંકલનમાં કરી રહી છે કામગીરી
- ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં મુશ્કેલીઃ CM
ઉત્તરકાશી: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બાદ વ્યાપક વિનાશ થયો છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા છે. આ કુદરતી આફત વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 138 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ કામગીરીમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર, સેના, ITBP, SDRF, અને NDRFની ટીમો જોતરાઈ છે. જોકે, હર્ષિલમાં સેનાનો કેમ્પ તણાઈ જવાથી 8થી 10 જવાનો લાપતા થયા હોવાના અહેવાલ છે, જેના કારણે ચિંતા વધી છે. રાહત કાર્યો માટે રાજ્ય સરકારે તાત્કાલિક રૂ. 20 કરોડનું ભંડોળ ફાળવ્યું છે.
PM મોદીએ પરિસ્થિતિની સમીક્ષા કરી
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ આપત્તિ અને રાહત-બચાવ કામગીરી અંગે માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રી ધામીના જણાવ્યા મુજબ, ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં બચાવ ટુકડીઓને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. મનેરી અને ભટવાડી પાસે ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેનાથી બચાવ કામગીરી પર અસર થઈ છે.
ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર
કુદરતી આપદા વચ્ચે, હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે 9 જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દહેરાદૂન, બાગેશ્વર, ટિહરી, ચમોલી, રુદ્રપ્રયાગ, ચંપાવત, પૈડી, અને અલ્મોડા જેવા જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ છે. ઉત્તરકાશી અને પિથૌરાગઢમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે. ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે. બાગેશ્વરમાં ગોમતી અને સરયૂ નદી ગાંડીતૂર બની છે, અને અલકનંદા નદી ખતરાના નિશાન પર વહી રહી છે.
હિમાચલ પ્રદેશમાં પણ આફત, 449 રસ્તાઓ બંધ
પડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી પરિસ્થિતિ ગંભીર છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં 449 રસ્તાઓ બંધ છે. મંડીના દ્વાડા પાસે ભૂસ્ખલન થતાં ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પણ બંધ થઈ ગયો છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. વહીવટી તંત્ર રસ્તો ખોલવા માટે કામ કરી રહ્યું છે, પરંતુ સતત વરસાદને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે. હવામાન વિભાગે હિમાચલમાં 11 ઓગસ્ટ સુધી વરસાદનું એલર્ટ આપ્યું છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Uttrakashi Cloudbrust: જાણો ક્યાં આવ્યુ છે ધરાલી ગામ, જે મહાપ્રલયથી થઈ ગયુ તહસનહસ