વારાણસી ફ્લાઈટમાં ગંભીર સુરક્ષા એલર્ટ: કોકપિટનો દરવાજો ખોલતા 9 યાત્રીઓ અટકાયતમાં
- એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સુરક્ષાને લઈને સર્જાઈ ગંભીર સ્થિતિ (Varanasi Flight Security Alert)
- બે યાત્રીઓએ કોકપિટના દરવાજા ખોલવાના કર્યા પ્રયત્ન
- સમગ્ર ઘટના અંગે પાયલટે ATCને આપી જાણકારી
- સમગ્ર મામલે 9 યાત્રીઓની અટકાયત કરવામાં આવી
Varanasi Flight Security Alert : સોમવારે સવારે વારાણસી આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગલુરુ-વારાણસી ફ્લાઇટમાં સુરક્ષાને લઈને ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી. ફ્લાઇટ દરમિયાન બે યાત્રીઓએ કોકપિટના દરવાજા પાસે બનેલા કોડ પેનલમાં કેટલાક નંબર નાખીને તેને ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પાઇલટ કોકપિટની અંદરથી તરત જ એલર્ટ થયા હતા.
પાઇલટોએ કોકપિટના CCTV ફૂટેજમાં જોયું કે આ કોઈ ક્રૂ મેમ્બર નથી, પરંતુ યાત્રીઓ છે. આથી, તેમણે દરવાજો ખોલવાની વારંવાર આવતી વિનંતીઓને નકારી દીધી. આ ઘટનાને કારણે વિમાનના હાઇજેકિંગનો ભય ઊભો થયો હતો.
શું હતી સમગ્ર ઘટના? (Varanasi Flight Security Alert)
આશરે સવારે 10:22 વાગ્યે વિમાન વારાણસીના બાબતપુર એરપોર્ટ પર ઉતર્યા બાદ પાઇલટે તરત જ સુરક્ષા એજન્સીઓને આ ઘટનાની જાણ કરી. પાઇલટે જણાવ્યું કે વારંવાર કોકપિટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, જેના કારણે તેમને હાઇજેકિંગની શંકા ગઈ. આ જાણકારી મળતા જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને સુરક્ષા એજન્સીઓ તરત જ એલર્ટ થઈ ગઈ. પ્રાથમિક પૂછપરછમાં એક યાત્રીએ જણાવ્યું કે તેણે ભૂલથી કોકપિટના દરવાજાને ટોઇલેટનો દરવાજો સમજીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
9 યાત્રીઓની અટકાયત અને પૂછપરછ (Varanasi Flight Security Alert)
વારાણસીમાં વિમાન લેન્ડ થયા બાદ, કોકપિટ ખોલવાનો પ્રયાસ કરનાર બે યાત્રીઓ સહિત કુલ નવ લોકોને સુરક્ષા એજન્સીઓએ અટકાયતમાં લીધા. ડીસીપી આકાશ પટેલ અને સ્થાનિક પોલીસ ટીમ દ્વારા તમામ યાત્રીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. એક યાત્રીએ દાવો કર્યો છે કે આ તેની પહેલી ફ્લાઇટ હતી અને તે ટોઇલેટની શોધમાં હતો.
સુરક્ષા પ્રોટોકોલ પર સવાલો
ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન) મુજબ, લેન્ડિંગ બાદ સંબંધિત યાત્રીઓને CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ને સોંપવામાં આવ્યા હતા, જેમણે તેમને સ્થાનિક પોલીસને હવાલે કર્યા. વિમાનમાં કુલ 163 યાત્રીઓ સવાર હતા.
આ એક ગંભીર સુરક્ષા જોખમ
વિમાન સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે કોકપિટમાં પ્રવેશ કરવાનો કોઈપણ પ્રયાસ ગંભીર સુરક્ષા જોખમ ઊભું કરી શકે છે. આ કિસ્સામાં પાઇલટની સતર્કતા અને એટીસીને તાત્કાલિક જાણ કરવાથી એક મોટી દુર્ઘટના ટળી. આ ઘટના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે યાત્રીઓને હવાઈ સુરક્ષાના નિયમો વિશે પૂરતી જાણકારી હોવી અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો : Kanpur Airport : 'મુષકરાજ'ના ખોફથી દોઢસો મુસાફરો ભરેલી ફ્લાઇટ ખાલી કરાવાઇ