દેશના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ
- કડકડતી ઠંડીનો કહેર યથાવત
- ગુજરાત સહિત દેશભરમાં હિમવર્ષા અને ઠંડી
- ઉત્તર ભારતમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ
- ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવનું એલર્ટ
- પર્વતીય રાજ્યોમાં ભારે બરફબારીનો અનુભવ
- 27 ડિસેમ્બરે વધુ હિમવર્ષાની આગાહી
- પર્વતોમાં બરફ, મેદાનોમાં કડકડતી ઠંડી
Weather Update IMD Forecast : નવ વર્ષની ઉજવણી પહેલા, સમગ્ર દેશમાં ઠંડીનો કહેર યથાવત છે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આ બદલાતા હવામાનને કારણે લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ઠંડી, કોલ્ડવેવ બાદ વરસાદે ઠંડીમાં વધારો કરી દીધો છે. ગાઢ ધુમ્મસના કારણે ઠંડીનો પ્રકોપ વધુ ગંભીર બન્યો છે.
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વરસાદ અને હિમવર્ષાનો પ્રભાવ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે ભારે હિમવર્ષા અને વરસાદ જોવા મળ્યો છે. શિમલામાં સિઝનની બીજી હિમવર્ષાથી 3 ઈંચ બરફ પડ્યો હતો. ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ અને અન્ય પર્વતીય સ્થળોએ હિમવર્ષા થઈ છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ઠંડીનું મોજું યથાવત છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 26 ડિસેમ્બર સુધી આ વિસ્તારોમાં ઠંડી અને હિમવર્ષા ચાલુ રહેશે.
27 ડિસેમ્બરથી વધુ પ્રભાવ જોવા મળશે
26 ડિસેમ્બરે અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જે ઉત્તર ભારત સહિત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં અસર કરશે. 27થી 29 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનોના કારણે પશ્ચિમ હિમાલય અને મેદાની વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. હવામાન વિભાગે 27 અને 28 ડિસેમ્બર માટે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ અને કરા પડવાની શક્યતા સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે.
ધુમ્મસ અને કોલ્ડ વેવનું એલર્ટ
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, મેઘાલય, આસામ અને ઉત્તરપૂર્વી રાજ્યો માટે ધુમ્મસ અને કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યું છે. પર્વતીય વિસ્તારોમાં ગ્રાઉન્ડ ફ્રોસ્ટની સ્થિતિ સર્જાયેલી છે, જે ખેડૂતો અને લોકજીવન પર પ્રત્યક્ષ અસર કરી શકે છે. 30 ડિસેમ્બર સુધી ઠંડીનું આ મોજું યથાવત રહેવાની સંભાવના છે, જેનાથી જનજીવન ઉપર વ્યાપક અસર થશે.
આ પણ વાંચો: ક્રિસમસની મોજ-મસ્તી માટે હિમાચલ જાઓ છો તો સાવધાન!