દેશભરમાં ઠંડીનો કહેર! ઉત્તર ભારતમાં શીતલેહર તો દક્ષિણમાં ભારે વરસાદ
- દેશભરમાં ઠંડીનો કહેર યથાવત
- ઉત્તર ભારતમાં શીતલહેરનો ત્રાસ
- કાશ્મીરમાં -8.5°C તાપમાનનો રેકોર્ડ
- દિલ્હીમાં ઠંડી સાથે પ્રદૂષણનો કહેર
- ગાઢ ધુમ્મસે ટ્રેનો અને ફ્લાઈટ્સ પર અસર
- હવામાન વિભાગની તીવ્ર ઠંડીની આગાહી
- 27થી 31 ડિસેમ્બરે હિમવર્ષાની શક્યતા
- દક્ષિણ ભારતમાં ભારે વરસાદનો પ્રભાવ
Weather Update : દેશમાં એકવાર ફરી ઠંડીનો કહેર શરૂ થઇ ગયો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. જેમા નોર્થની વાત કરીએ તો કાશ્મીર, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબમાં શીતલહેર જોવા મળી રહી છે. જ્યારે વેસ્ટની વાત કરીએ તો રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ઠંડીએ જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે.
દેશભરમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ યથાવત
દેશભરમાં તીવ્ર ઠંડીનું પ્રમાણ યથાવત છે આ સાથે અનેક વિસ્તારોમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસનો પ્રભાવ છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની અસર છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જમ્મુ-કાશ્મીરમાં "ચિલ્લાઇ કલાન" નામનો 40 દિવસનો શિયાળાનો કઠોર સમયગાળો શરૂ થયો છે. શ્રીનગરમાં તાપમાન -8.5°C નોંધાયું છે, જે છેલ્લા 133 વર્ષમાં ત્રીજીવાર બની રહ્યું છે. આ હાડકાં જમાવી દેતી ઠંડીએ લોકોને ગરમ કપડા અને હીટરોના શરણામાં જીવવા મજબૂર બનાવ્યા છે.
રાજધાની દિલ્હીમાં ઠંડી
રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં ઠંડીની સાથે પ્રદૂષણ ખૂબ મોટી સમસ્યા છે. દરમિયાન આજે અહીં હળવા વરસાદે ઠંડીમાં વધારો કર્યો હતો. કડકડતી ઠંડીની સાથે દિલ્હીમાં ધુમ્મસનો કહેર પણ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ ધુમ્મસ પણ ગાઢ બની રહી છે. ગાઢ ધુમ્મસના કારણે ટ્રેનો અને ફ્લાઈટ્સની ગતિ પણ ધીમી થઈ રહી છે. જ્યારે વધતા પ્રદૂષણે દિલ્હીની આબોહવાને વધુ ઝેરી બનાવી દીધી છે. હવે ફરી દિલ્હીની ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. ખરાબ હવામાં શ્વાસ લેવાથી હાંફવાની સ્થિતિ સર્જાઈ છે. જો કે આજના હળવા વરસાદને કારણે દિલ્હીના વાતાવરણમાં ચોક્કસ સુધારો જોવા મળશે.
યુપી, હરિયાણા અને પંજાબમાં પણ કોલ્ડ વેવની સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં શીત લહેર અને વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદ પડતાં ઠંડીમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 5 થી 7 દિવસ સુધી ઠંડીનું મોજુ યથાવત રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 28 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય રહેવાના કારણે હવામાનમાં બદલાવ થશે. 27 થી 31 ડિસેમ્બરના વચ્ચે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે 26 ડિસેમ્બર પછી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતમાં અસર કરશે, જેના કારણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં ચક્રવાતી પવનોની સ્થિતિ સર્જાઇ શકે છે. આ સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનોનું પ્રવાહ વધી શકે છે, જે હિમાલયના વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા લાવી શકે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં ઠંડી સાથે પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર, વાંચો આ અહેવાલ