West Bengal : 5 લોકોએ મળી ઢોર માર માર્યો, પાર્કિંગ વિવાદમાં ટેક્સી ડ્રાઇવરનુ મોત
- પાંચ લોકોએ એક ટેક્સી ડ્રાઈવરને નિર્દયતાથી માર માર્યો
- ટેક્સી ડ્રાઈવરના પેટમાં ગંભીર ઇન્ટરનલ બ્લીડિંગ થયુ
- પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો
Kolkata Crime : પશ્ચિમ બંગાળમાં પાર્કિંગ વિવાદને લઈને પાંચ લોકોએ એક ટેક્સી ડ્રાઈવરને નિર્દયતાથી માર માર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલાને કારણે ટેક્સી ડ્રાઈવરના પેટમાં ગંભીર ઇન્ટરનલ બ્લીડિંગ થયુ હતુ, જેના કારણે તેનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું. આ કેસમાં, પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
ટુ-વ્હીલરને ટક્કર મારી હતી
આ ઘટના કોલકાતાના જાદવપુર વિસ્તારમાં બની હતી. 38 વર્ષીય ટેક્સી ડ્રાઈવર જયંત સેન મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે કામ પરથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં, પાર્કિંગમાંથી પોતાની કાર બહાર કાઢતી વખતે, તેણે ત્યાં પાર્ક કરેલા એક ટુ-વ્હીલરને ટક્કર મારી. થોડા કલાકો પછી, 5 અજાણ્યા યુવકો તેના ઘરે પહોંચ્યા, તેને બહાર બોલાવ્યો અને પછી તેને સખત માર માર્યો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો.
આ પણ વાંચો : VADODARA : ઘર પાસે લોક કરેલું બૂલેટ તસ્કર બિંદાસ્ત દોરીને લઇ ગયો
પરિવાર વચ્ચે પડ્યો તેમ છતા મારતા રહ્યા આરોપી
જયંત સેનની માતા, ભાઈ અને પત્નીએ વચ્ચે પડી ઝઘડો શાંત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી યુવકોએ સાંભળ્યું નહીં અને તેને મારવાનું ચાલુ રાખ્યું. તે પાંચેય લોકોએ તેને નિર્દયતાથી માર માર્યો. આ ઘટના બાદ, તેના પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં શુક્રવારે રાત્રે તેનું મૃત્યુ થયું. આ અંગે ડોક્ટરોએ કહ્યું કે તેના પેટમાં ઇન્ટરનલ બ્લીડિંગ થયુ હતુ, જેના કારણે તેનું મૃત્યુ થયું. મૃતકના ભાઈ પ્રશાંત સેને કહ્યું કે આ માટે જવાબદાર લોકોને કાયદા મુજબ સજા મળવી જોઈએ.
પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
આ કેસમાં, મૃતક ટેક્સી ડ્રાઈવરના પરિવારે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યાનો કેસ નોંધ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાના ભાઈની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Surat : અમરોલીમાં 50 વર્ષીય માતા-પિતા, 30 વર્ષીય પુત્રનો સામુહિક આપઘાત, સુસાઇડ નોટ પણ મળી