Cooch Behar Murder : બંગાળમાં 'નિઠારી કાંડ' જેવી હેવાનિયત, નરભક્ષીએ માનવ માંસ ખાવાના ઈરાદે યુવકની કરી ક્રૂર હત્યા
- પશ્વિમ બંગાળમાં નરભક્ષી હત્યારો ઝડપાયો (Cooch Behar Murder)
- નરાધમs માનવ માંસ ખાવા કરી હત્યા
- પોલીસે આ હત્યારાને ઝડપીને સઘન તપાસ હાથ ધરી
પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના દિનહાટા વિસ્તારમાં એક એવી ઘટના બની છે, જે સાંભળીને ગમે તેવા મજબૂત કાળજાના માનવીના રુંવાડા ઉભા થઈ જાય. ઉત્તર પ્રદેશના કુખ્યાત નિઠારી હત્યાકાંડની ભયાનક યાદ અપાવે તેવા આ કિસ્સામાં, એક નરાધમે માનવ માંસ ખાવાની વિકૃત લાલસામાં એક નિર્દોષ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.
નોંધનીય છે કે ઘટનાની વિગત એવી છે કે, દિનહાટાના કુસર હાટ વિસ્તારમાં આવેલા એક જળાશયમાંથી પોલીસને એક અજાણ્યા યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક સ્મશાન નજીક આવેલી એક નાનકડી ઝૂંપડીમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હત્યારાએ અત્યંત ક્રૂરતાપૂર્વક યુવકનું ગળું કાપી નાખ્યું હતું અને તેના શરીરના અંગો સાથે અમાનવીય છેડછાડ કરી હતી.
Cooch Behar Murder : નરભક્ષીએ માનવ માંસ ખાવા કરી હત્યા
આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસને શંકા ગઈ કે આ માત્ર હત્યા નથી, પરંતુ તેની પાછળ એક અત્યંત વિકૃત માનસિકતા છુપાયેલી છે. આરોપીએ માનવ માંસ ખાવાના હેતુથી જ આ હત્યા કરી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. શું આ કોઈ માનસિક બીમારી છે કે કોઈ અંધશ્રદ્ધા? તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે.
Cooch Behar Murder : પોલીસ નરભક્ષીને ઝડપ્યો
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક SDPO અને દિનહાટા પોલીસની ટીમે તાત્કાલિક દરોડા પાડીને મુખ્ય શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ હાલ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે અને તેની માનસિક સ્થિતિનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. આરોપીનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
બીજી તરફ, હજુ સુધી મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસ આસપાસના ગામોમાં અને સ્મશાન વિસ્તારમાં તપાસ કરી રહી છે જેથી મૃતકના પરિવાર સુધી પહોંચી શકાય. આ અમાનવીય કૃત્યને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફાળ પડી છે અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : બિકાનેરમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનું અપહરણ કરી ચાલતી કારમાં નરાધમોએ કર્યો સામુહિક દુષ્કર્મ


