ઋતબ્રત બેનર્જી (Ritabrata Banerjee)ની આગેવાની હેઠળના એક બળવાખોર જૂથે આક્રમક વલણ અપનાવીને કોલકાતામાં આવેલી પાર્ટીની મુખ્ય ઓફિસ પર કથિત રીતે પોતાનો કબજો જમાવી લીધો છે અને સાથે જ ખુલ્લેઆમ પોતાને 'અસલી ટીએમસી' તરીકે જાહેર કરી દીધા છે, જેના કારણે બંગાળના રાજકીય સમીકરણોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે.
મેટ્રોપોલિટન ઈએમ બાયપાસ ઓફિસ પર કબજો અને નવા પોસ્ટર્સ
શુક્રવારે બપોરે ઋતબ્રત જૂથના નેતાઓ મેટ્રોપોલિટન ઈએમ બાયપાસ (EM Bypass) સ્થિત તૃણમૂલ કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યાં એક મહત્વપૂર્ણ બેઠક (Meeting) યોજી હતી. આ બેઠક કયા મુદ્દાઓ પર હતી તે હાલ સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે, આ દરમિયાન ઋતબ્રતના સમર્થકોએ ઓફિસના પ્રવેશદ્વાર પર નવા પોસ્ટર (Posters) લગાવ્યા હતા. મીટિંગ પૂરી થયા બાદ તેમણે ઓફિસને તાળું મારી દીધું હતું અને ચાવી પોતાની સાથે લઈ ગયા હતા. આ સમયે ઋતબ્રત બેનર્જીની સાથે ફિરહાદ હકીમ, સંદીપન સાહા, જાવેદ ખાન અને અખરુજ્જમાં જેવા અનેક મોટા નેતાઓ હાજર હતા. નવા પોસ્ટરમાં મમતા બેનર્જી (Mamata Banerjee) અને અરૂપ રોયની (Arup Roy) તસવીર લગાવવામાં આવી હતી.
મમતા બેનર્જી માત્ર સલાહકાર, અરૂપ રોય બન્યા નવા અધ્યક્ષ
આ જૂથનો સૌથી મોટો દાવો એ છે કે તેમણે મમતા બેનર્જીને પાર્ટીના અધ્યક્ષ (President) પદેથી હટાવી દીધા છે અને તેમના સ્થાને અરૂપ રોયને પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ જૂથ હવે મમતા બેનર્જીને માત્ર પોતાના સલાહકાર (Advisor) ગણાવી રહ્યું છે. ઓફિસથી બહાર નીકળતી વખતે ઋતબ્રત બેનર્જીએ જણાવ્યું કે, "અમે અમારા પાર્ટી કાર્યાલયમાં આવ્યા છીએ. મમતા બેનર્જી અમારા સલાહકાર છે."
બીજી તરફ, મીડિયા સાથે વાત કરતા નેતા અખરુજ્જમાંએ સ્પષ્ટ કર્યું કે, "આ પાર્ટી ઓફિસ અમારી છે. અમે જ તૃણમૂલ છીએ. 'જોડા ફૂલ' (બે ફૂલ) અમારું ચૂંટણી પ્રતીક (Election Symbol) છે અને અમે જ અસલી તૃણમૂલ છીએ." જ્યારે પત્રકારોએ (Journalists) ઓફિસને તાળું મારી રહેલા વ્યક્તિને પૂછ્યું કે તે કોના કહેવાથી તાળું મારી રહ્યો છે, ત્યારે તેણે દરવાજા પર લાગેલા પોસ્ટર તરફ ઈશારો કરીને કહ્યું કે, 'તમે આ છાપો, તમારે જે જાણવું છે તે બધું અહીં લખેલું છે.' અખરુજ્જમાંએ ઉમેર્યું કે ઓફિસની ચાવી તેમની અને અરૂપ રોય પાસે જ રહેશે.
ચૂંટણી પંચ સમક્ષ દાવો અને ભવિષ્યની રણનીતિ
આ સમગ્ર ઘટનાક્રમ ગુરુવારે દિલ્હીમાં ચૂંટણી પંચ (EC) સાથે થયેલી મહત્વની મુલાકાત બાદ સામે આવ્યો છે. ઋતબ્રત જૂથે દાવો કર્યો છે કે તેમણે સંગઠનાત્મક ફેરફારોને (Organizational Changes) લગતા તમામ જરૂરી દસ્તાવેજો પંચને સોંપી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર, 22 જૂનના રોજ બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં અરૂપ રોયને અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા અને નવી રાષ્ટ્રીય કાર્ય સમિતિની (National Working Committee) રચના કરાઈ હતી. નિયમો મુજબ આ ફેરફારોની જાણ 23 જૂને ચૂંટણી પંચને કરી દેવામાં આવી હતી.
ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો છે કે ચૂંટણી પંચની પૂર્ણ બેન્ચે તેમની રજૂઆત ધ્યાનથી સાંભળી છે અને ખાતરી આપી છે કે તેઓ આ મામલાની તપાસ કરીને ટૂંક સમયમાં પોતાનો નિર્ણય (Decision) સંભળાવશે. નેતા સંદીપન સાહાએ એવો પણ દાવો કર્યો છે કે પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો (MLAs) તેમના પક્ષમાં છે.
મમતા જૂથનો પલટવાર અને કડક સુરક્ષા વ્યવસ્થા
આ બળવા પર પ્રતિક્રિયા આપતા મમતા જૂથના નેતા અને સાંસદ (MP) કલ્યાણ બેનર્જીએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આ દાવામાં કોઈ જ દમ નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "જો કેટલાક ગુંડાઓ (Goons) ભેગા મળીને પાર્ટી બનાવી લે, તો શું આપણે તેને માન્યતા આપી દઈશું?" હવે સૌની નજર ચૂંટણી પંચના નિર્ણય પર ટકેલી છે. આગામી દિવસોમાં TMCનું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરશે કે ચૂંટણી પંચ તૃણમૂલ કોંગ્રેસનું નામ અને ચૂંટણી ચિહ્ન કયા જૂથને ફાળવે છે. હાલમાં તણાવને જોતા કોલકાતા પાર્ટી ઓફિસની બહાર કોલકાતા પોલીસ (Kolkata Police) અને સેન્ટ્રલ ફોર્સ (Central Forces) નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Mahua Moitra Egg Attack : મમતાના સાંસદ મહુઆ મોઇત્રા પર ઈંડા અને રીંગણ ફેંકાયા, ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ