Delhi Budget 2025-26 TitsBits: સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીવાસીઓ માટે કરી કઈ જાહેરાત ???
- દિલ્હી માટે 26 વર્ષ બાદ ભાજપ સરકારનું બજેટ રજૂ થયું
- દિલ્હીના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ખાસ ફાળવણી
- દિલ્હી મેટ્રો માટે 2929 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
- આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરાશે
New Delhi: આજે દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યનું બજેટ 2025-26 રજૂ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું. અગાઉ કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી. આ વખતે મુખ્યમંત્રી રેખાએ લગભગ 80000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યુ.
26 વર્ષ બાદ ભાજપ સરકારનું બજેટ
ભાજપ સરકારે 26 વર્ષ પછી દિલ્હીનું બજેટ રજૂ કર્યુ. જેમાં ભાજપના મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દિલ્હીનું બજેટ પહેલીવાર પેપરલેસ હતું. આ બજેટમાં દિલ્હીની હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા, ઈ બસ, દિલ્હી મેટ્રો, સામાજિક પેન્શન યોજના, આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, મુખ્યમંત્રી શ્રી શાળાઓ વગેરે લગતી પ્રજાલક્ષી યોજનાઓ માટે નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે.
દિલ્હીના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ખાસ ફાળવણી
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જણાવવા માટે મોનિટર લગાવવામાં આવશે. હવા દેખરેખ કેન્દ્રોનો વિસ્તાર કરવામાં આવશે. એક સંકલિત દેખરેખ કેન્દ્ર બનાવવામાં આવશે, જ્યાં લોકો ફરિયાદો નોંધાવી શકશે. ફરિયાદ સંબંધિત વિભાગને મોકલવામાં આવશે. ત્યાંથી દેખરેખ રાખવામાં આવશે. આ માટે 30 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવશે.
વધુ 5 હજાર ઈ-બસો ઉમેરવામાં આવશે
દિલ્હીના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે દિલ્હીમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે. હાલમાં, દિલ્હી પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઈ-બસ કાફલો છે. હાલમાં 2152 ઇલેક્ટ્રિક બસો છે. અમે 5 હજાર વધુ ઈ-બસો ઉમેરીશું. દિલ્હી મેટ્રો માટે 2929 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
LIVE: DELHI ASSEMBLY PROCEEDINGS SECOND SESSION (BUDGET) https://t.co/XaAomtqsgr
— BJP Delhi (@BJP4Delhi) March 25, 2025
પેન્શન યોજના માટે ખાસ ફાળવણી
દિલ્હી બજેટમાં સામાજિક પેન્શન યોજના માટે 3227 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. દિલ્હીમાં હાલમાં 9.50 લાખ લાભાર્થીઓ છે, જેમાં 4.02 લાખ વરિષ્ઠ નાગરિકો, 4.18 લાખ વિધવાઓ અને પીડિત મહિલાઓ અને 1.30 લાખ દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. વૃદ્ધાવસ્થા પેન્શન 2 હજાર રૂપિયાથી વધારીને 2.5 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે પેન્શન 2.5 થી 3 હજાર રૂપિયા હશે.
આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ
દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેના માટે 30 કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત છે. એક નવી પર્યટન સર્કિટ અને વિન્ટર દિલ્હી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. યુદ્ધ સ્મારક, ફરજ માર્ગ, પ્રધાનમંત્રી સંગ્રહાલય અને નવા સંસદ ભવન સહિત એક નવું પ્રવાસન સર્કિટ બનાવવામાં આવશે. વિન્ટર દિલ્હી ફેસ્ટિવલનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂડ ફેસ્ટિવલ અને કોન્સર્ટ જેવા કાર્યક્રમો સાથે કરવામાં આવશે. ટિકિટ ચાર્જ કરીને શીશમહેલ પણ બતાવવામાં આવશે.
આ પણ વાંચોઃ પોલીસ કસ્ટડીમાં લોકસભા જશે શેખ અબ્દુલ રશીદ, દિલ્હી હાઈકોર્ટનો આદેશ
શિક્ષણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે 886 કરોડ
દિલ્હીના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે 886 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. પીએમ શ્રી શાળાઓની જેમ જ મુખ્યમંત્રી શ્રી શાળાઓ ખોલવામાં આવશે. આ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. પંડિત મદન મોહન માલવિયા વિદ્યા શક્તિ મિશન યોજનાનો શુભારંભ કરશે. આ માટે 21 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે.
ભાષા પ્રયોગશાળાઓ શરૂ કરાશે
દિલ્હીની 100 સરકારી શાળાઓમાં ભાષા પ્રયોગશાળાઓ શરૂ કરાશે. આ યોજના એપીજે અબ્દુલ કલામના નામે હશે. આમાં AIનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 21 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. 175 નવી કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવશે, જેના માટે 50 કરોડ રૂપિયા આપવામાં આવશે. સ્માર્ટ ક્લાસ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
આરોગ્ય ક્ષેત્ર માટે મોટી જાહેરાતો
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આરોગ્ય ક્ષેત્ર માટે 6874 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. દિલ્હીની 12 હોસ્પિટલોને 1,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેનાથી તેમનું નિર્માણ સત્વરે બનશે. આરોગ્ય આયુષ મંદિર માટે 320 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી કરવામાં આવી છે. જન આરોગ્ય યોજના હેઠળ 5 લાખ રૂપિયાનો વધારાનો વીમો આપવામાં આવશે.
મજબૂત અને સમૃદ્ધ દિલ્હીનું સ્વપ્ન
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ભાજપનું સ્વપ્ન એક મજબૂત અને સમૃદ્ધ દિલ્હીનું છે. તેથી, હું બજેટમાં આ ક્ષેત્ર માટે DUSIBને 696 કરોડ રૂપિયા ફાળવી રહી છું, જેથી આ ક્ષેત્રોમાં રહેતા લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહે.
આ પણ વાંચોઃ અમે કટાક્ષને સમજીએ છીએ, પણ તેની એક લક્ષ્મણરેખા હોવી જોઈએ : શિંદે