Z+ સુરક્ષા હોવા છતાં માયાવતીએ કેમ પોતાનો બંગલો ખાલી કર્યો ?
- માયાવતીએ પોતાનો દિલ્હીનો બંગલો ખાલી કરી દીધો
- બસપાએ આ નિર્ણય અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી
- સુરક્ષાના કારણોસર ઘર શિફ્ટ કરવાનો નિર્ણય લીધો
Mayawati Residence Change: BSP એટલે કે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પોતાનો દિલ્હીનો બંગલો ખાલી કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લીધો છે. જો કે હજુ સુધી બસપાએ આ નિર્ણય અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. ખાસ વાત એ છે કે લગભગ 10 વર્ષ પહેલા પણ તેમણે સુરક્ષાનું કારણ બતાવીને લુટિયન સ્થિત બંગલાની સામેથી બસ સ્ટોપને હટાવડાવ્યુ હતુ.
વરિષ્ઠ નેતાઓનું મૌન
માયાવતીએ 20 મેના રોજ બંગલો ખાલી કરી દીધો હતો અને CPWD એટલે કે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટને ચાવીઓ સોંપી દીધી હતી. હાલમાં માયાવતીના આ નિર્ણય પર બસપાના વરિષ્ઠ નેતાઓએ મૌન જાળવી રાખ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રીય મહાસચિવ મેવા લાલે કહ્યું કે, તેમને આ અંગે કોઈ જાણકારી નથી.
માયાવતીએ એવા સમયે નિવાસસ્થાન બદલ્યું છે જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમના અત્યંત ખરાબ પ્રદર્શન બાદ રાષ્ટ્રીય પક્ષ તરીકે BSPની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. તેમને ટાઇપ 7, 35 લોધી એસ્ટેટ બંગલો ફાળવવામાં આવ્યો હતો. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બંગલામાં બે ડઝનથી વધુ રૂમ છે.
ખાસ વાત એ છે કે 35, લોધી એસ્ટેટ બંગલો પાર્ટીના 29, લોધી એસ્ટેટ કાર્યાલયની પાછળના રસ્તા પર છે. પાર્ટી ઓફિસનો પાછળનો દરવાજો લોધી એસ્ટેટના ગેટ 35 તરફ ખુલે છે. બંને બંગલાનું ગયા વર્ષે એવી રીતે રિનોવેશન કરવામાં આવ્યું હતું કે તે એકસરખા દેખાય.
આ પણ વાંચો : Maharashtra: બાળાસાહેબ હયાત હોત તો ઓપરેશન સિંદૂર માટે PM મોદીને સ્વીકારતા
નામ ન આપવાની શરતે જણાવ્યું
BSPના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે માયાવતીએ સુરક્ષાના કારણોસર પોતાનું ઘર શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, 'તે જ રોડ પર માત્ર 100 મીટરના અંતરે એક સ્કૂલ છે. ઘણી વખત સ્કૂલ વાન 35, લોધી એસ્ટેટની સામે પાર્ક કરેલી હોય છે. બાળકોને લેવા કે મૂકવા આવતા માતા-પિતા પણ એ જ રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરે છે. હવે બહેનજીના સુરક્ષા કર્મચારીઓ પણ ત્યાં પોતાના વાહનો પાર્ક કરે છે. આવી સ્થિતિમાં, તેઓ અને શાળાના બાળકો બંનેને અસુવિધાનો સામનો કરવો પડે છે.
માયાવતીની Z+ સુરક્ષા અંગે
તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ તેમના બંગલે હોય છે, ત્યારે બોમ્બ સ્ક્વોડની સાથે સુરક્ષા કર્મચારીઓ તે આખા વિસ્તારની તપાસ કરે છે, જેનાથી શાળા અને ત્યાં આવતા લોકોને અસુવિધા ઉભી થાય છે.
દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને માયાવતીના આવાસની બહાર સુરક્ષા મામલે કોઈ જાણકારી નથી, પરંતુ તેમના Z+ સુરક્ષા કર્મચારીઓને ઘર ખાલી કરવા માટે જાણ કરવામાં આવી છે. હાલમાં એક CPWD ગાર્ડ બંગલાની બહાર હાજર છે અને માયાવતીના સુરક્ષાકર્મીઓ ગેટ છોડીને ચાલ્યા ગયા છે.
આ પણ વાંચો : Delhi Court: WFI ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણને મોટી રાહત, કોર્ટે POCSO કેસ કર્યો બંધ