Gujarat Rain : નવસારીમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરમાં કેટલાક વિસ્તારો ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મૂશળધાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પડી છે.
ઉલ્લેખનીય છે કે નવસારીમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન પણ અંધારપટ જેવી સ્થિતિ સર્જાતા વાહનચાલકોને પોતાની હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.
ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો
મહત્વનું છે કે ભારે વરસાદના કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. જેમાં લુંસીકુઇ વિસ્તાર, આશાપુરી મંદિરની આસપાસનો વિસ્તાર અને દુધિયા તળાવનો સમગ્ર વિસ્તાર પાણીમાં તરબોળ થઈ ગયો છે.
નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
શહેરના મુખ્ય માર્ગો જેવા કે રેલવે સ્ટેશન રોડ અને લાયબ્રેરી રોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Monsoon 2026 : સુરતના ઓલપાડમાં NDRFની 6 ટીમની તૈનાતી, પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ